દેશભરમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરે 10 દિવસના ગણેશ ચતુર્થીના તહેવારનો ધામધુમથી પ્રારંભ થયો હતો. દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પાના પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત કરવામાં આવી હતી. મુંબઈમાં લાલબાગચા રાજા, ખેતવાડી ગણરાજ, ગણેશ ગલી મુંબઈચા રાજાના ભવ્ય પંડાલો સજાવવામાં આવ્યાં હતા.
બેંગલુરુના એક પંડાલમાં શ્રી સત્ય ગણપતિ મંદિરમાં ભક્તોએ સિક્કાઓ અને નોટો દ્વારા બાપ્પાને શણગાર્યા હતા. પંડાલમાં ચંદ્રની જમીન પર ઉતરેલા વિક્રમ લેન્ડર અને ચંદ્રયાનની તસ્વીરો પણ જોવા હતી. કોલકાતા, જયપુર, નાગપુર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં મંદિરો અને પંડાલો સજાવવામાં આવ્યા હતા અને ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી તિથિથી અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન ભગવાન ગણેશની પૂજા વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. 28 સપ્ટેમ્બરને ગુરુવારે ગણેશ વિસર્જન કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રમાં ગણપતિ પૂજાની ખાસ તૈયારીઓ કરાઈ હતી. મૂર્તિકારોએ ભક્તોની પસંદગી મુજબ વિવિધ પ્રકારની ગણપતિની મૂર્તિઓ તૈયાર કરી હતી. ગણપતિને ચઢાવવા માટે મીઠાઈની દુકાનોમાં મોદક અને લાડુની માંગ વધી હતી. ફળો અને ફૂલોથી લઈને ડેકોરેટિવ વસ્તુઓ સુધીની દરેક વસ્તુ ખરીદવા માટે લોકો બજારમાં ઉમટી રહ્યા હતાં.
ત્રિપુરાના અગરતલામાં એક કલાકારે ડ્રગ્સ વિરુદ્ધ સંદેશ આપવા માટે સિરીંજ નીડલના ગણેશની મૂર્તિ બનાવી હતી. મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે એક મહિલા ભક્ત પરંપરાગત મરાઠી પોશાકમાં ગણપતિની મૂર્તિ લેવા પહોંચી હતી. આસામની રાજધાની ગુવાહાટીમાં ચંદ્રયાન-3 મોડલની થીમ પર ગણેશ પૂજા પંડાલ બનાવવામાં આવ્યો હતો.