વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસ ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ગ્રેબ્રેયસસ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય આયુષ પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય પ્રધાન ડો. મહેન્દ્ર મુંજપરા ઉપસ્થિત રહ્યાં હતા.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સંમેનલમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે.
વડાપ્રધાને વેલકમ ટુ ગુજરાત કહીને સૌને આવકાર આપ્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન હેલ્થ ટુરિઝમ ક્ષેત્રે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે તુલસીના છોડના ઔષધિય ગુણ સાથે તુલસીનો છોડ ભારતના સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીને યાદ કરીને તેઓ પરંપરાગત ચિકિત્સાના પ્રણેતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ સમિટના ફાયદાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, મોડર્ન ફાર્મા કંપનીઓ અને વેક્સિન મેન્યુફેક્ચરર્સને સમયસર રોકાણ મળી રહેવાથી તેમણે કમાલની કામગીરી કરી બતાવી અને આપણે ઝડપથી કોરોના વેક્સિન વિકસિત કરી શક્યા.
આયુષ ક્ષેત્રે રોકાણ અને નવીનીકરણની પુષ્કળ સંભાવનાઓ છે. આયુષ દવાઓ, સપ્લિમેન્ટ્સ અને કોસ્મેટિક્સના ઉત્પાદનમાં આપણે પહેલેથી જ અભૂતપૂર્વ તેજી જોઈ રહ્યા છીએ. 2014માં આયુષ સેક્ટર 3 બિલિયન ડોલરથી પણ ઓછાનું હતું જે આજે વધીને 18 બિલિયન ડોલરને પાર કરી ગયું.
આયુષ મંત્રાલયે ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રે સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે અનેક મોટા પગલાંઓ ભર્યા છે. દેશમાં મેડિસિનલ પ્લાન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો સરળતાથી માર્કેટ સાથે જોડાઈ શકે તેવી સગવડ મળે તે ખૂબ જ જરૂરી છે. આ માટે સરકાર આયુષ ઈ-માર્કેટ પ્લેસના આધુનિકીકરણ અને તેના વિસ્તાર પર પણ કામ કરી રહી છે.
વડાપ્રધાને જણાવ્યું કે, કેરળના પ્રવાસન ઉદ્યોગને આગળ લઈ જવામાં પંરપરાગત ઉપચાર પદ્ધતિએ મદદ કરી. આ સામર્થ્ય સમગ્ર ભારત પાસે, દેશના દરેક ખૂણામાં છે. ‘Heal in India’ આ દશકાની બહું મોટી બ્રાન્ડ બની શકે છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધા વગેરે વિદ્યાઓ પર આધારિત વેલનેસ સેન્ટર્સ ખૂબ જ પ્રચલિત થઈ શકે છે.
મોદીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ભારત સરકાર આયુષ માર્ક બનાવવા જઈ રહી છે. ભારતમાં બનાવાયેલ ક્વોલિટી આયુષ પ્રોડક્ટ પર આ માર્ક લગાવામાં આવશે. એટલું જ નહીં, આયુષ પ્રોડક્ટ્સના પ્રચાર પ્રસાર માટે આયુષ પાર્ક બનાવામાં આવશે. જેમાં આયુષમા રીસર્ચ અને એનાલિસિસ કરવામાં આવશે. ભારત નજીકના સમયમાં આયુષ વિઝા આપવાની શરૂઆત કરશે. જે વિદેશી નાગરિકોને ભારતમાં આયુષ સારવાર કરાવવી હોય તેમને વિઝા આપવામાં આવશે
‘આયુષ વિઝા’ શરૂ કરાશે
આ સમીટમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે જે વિદેશી નાગરિકો ભારતમાં આવીને આયુષ ચિકિત્સાનો લાભ લેવા ઈચ્છે છે તેમના માટે સરકાર એક પહેલ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ ભારત એક વિશેષ આયુષ વિઝા કેટેગરી શરૂ કરવા જઈ રહ્યું છે. તેનાથી લોકોને આયુષ ચિકિત્સા માટે ભારત આવવા-જવામાં સગવડ રહેશે.
WHOના વડાને ‘તુલસીભાઈ’ નામ આપ્યું
મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે, આજે હું એક વધુ એક ખૂશ ખબર આપવા માંગુ છું. WHOના અમારા ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ મારા સારા મિત્ર છે. તેઓ જયારે પણ મળતા ત્યારે કહેતા કે મને ભારતના શિક્ષકોએ ભણાવ્યો છે. મારા જીવનના મહત્વના સ્ટેટ પર ભારતના શિક્ષકોનો મોટો ફાળો રહ્યો છે. આજે સવારે જ્યારે તેઓ મળ્યા ત્યારે મને કહ્યું કે, હું તો પાક્કો ગુજરાતી થઈ ગયો છું એટલે મારું ગુજરાતી નામ રાખી લો. જેથી હું મહાત્મા ગાંધીની પવિત્ર ધરતી પર પરમ મિત્રને ગુજરાતીના નાતે ‘તુલસીભાઈ’ ના આપ્યું છે. તુલસીએ છોડ છે જે ભારતની આધ્યાત્મિક વિરાસતનો મહત્વનો ભાગ છે. દિવાળી પછી આપણા દેશમાં તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. તમારી ગુજરાતના પ્રત્યે જે લાગણી છે અને દરેક વખતે તમારો ગુજરાતી બોલવાનો પ્રયાસ રહ્યો છે. એટલે મને મહાત્મા ગાંધીના આ પવિત્ર મંદિરમાં તમને તુલસીભાઈ કહીને સંબોધન કરવામાં ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ સમિટમાં અમારી વચ્ચે આવવા બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું