ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે 56 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ ઠંડો જોવા મળ્યો હતો. શહેરમાં આમ આદમી પાર્ટી પહેલી વખત કોર્પોરેશનની ચૂંટણીમાં ઝમ્પલાવતા ત્રિપાંખીયો જંગ થયો હતો. પરંતુ ઓછા મતદાનમાં પરિણામ કોના તરફી રહેશે તે તો આગામી 5મી તારીખે માલુમ પડી જશે. આ ચૂંટણીમાં 44 બેઠક માટે 161 ઉમેદવારો વચ્ચે જંગ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષીય માતા હીરાબાએ ગાંધીનગર મ્યુનિસિપિલ કોર્પોરેશનની ચૂંટણીમાં રવિવારે મતદાન કર્યું હતું. હીરાબા સવારે રાયસણ ખાતેના મતદાન બૂથ પર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વોર્ડ નંબર 10માં પોતાનો મત આપ્યો હતો. નરેન્દ્ર મોદીના માતા હીરાબા ગાંધીનગરમાં રાયસણ ખાતે મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહે છે. મતદાન કેન્દ્ર પર હીરાબા સાથે તેમના નાના દીકરાના પુત્રવધૂ હાજર હતા.
ગાંધીનગરમાં યોજાયેલી ચૂંટણીમાં બપોરના એક વાગ્યા સુધીમાં માત્ર 17% જ મતદાન થયું હતું, આ પછી મતદારોને રિઝવવા માટે નેતાઓ અને ધારાસભ્યો મેદાનમાં આવ્યા હતા. શહેરના સેક્ટર-22, સેક્ટર-6 જેવા વિસ્તારોમાં બે પાર્ટીઓના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતા મામલો ગરમાયો હતો. જેમાં વોર્ડ-5ના સેક્ટર 22માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી જવાની ઘટના બની હતી અને અહીં 100 જેટલા મતદારોના નામ યાદીમાંથી ગાયબ હોવાના મુદ્દે હોબાળો થોય હતો. બીજી તરફ 10 નંબરના વોર્ડમાં આવતા સેક્ટર-6માં તથા વોર્ડ-9ના કુડાસણમાં આપના બૂથમાં તોડફોડ કરવાની તથા કાર્યકર્તાઓ પર હુમલો કરવાની ઘટના બની હતી.
ગાંધીનગરમાં કુલ 2,81,897 મતદારો છે, જેમાંથી 1,58,532 મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગરમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે આ મતદાનની 56%ની ટકાવારી કોને ફળે છે તે પરિણીમના દિવસે જાણવા મળશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની અત્યાર સુધીની આ ત્રીજી ચૂંટણી રહી છે ત્યારે આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી ખુબજ રસાકસી જોવા મળી હતી. ત્યારે મતદાન બાદ આમ આદમી પાર્ટી ભાજપ કે કોંગ્રેસના કેટલા વોટ તોડે છે તેની ઉપર ચૂંટણીના પરીણામ જોવા મળશે. હાલ તો રાજકીય પંડીતો પ6 ટકા જેટલા નિરસ મતદાન વચ્ચે કાંઈ પણ કહેવા તૈયાર નથી.