બ્લેક લેઇવ મેટર્સ આંદોલન બાદ લેસ્ટરમાં આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અને લંડનના વેસ્ટમિન્સ્ટર સ્થિત ગાંધી પ્રતિમા સાથે કરાયેલા દુર્વ્યવહાર બાદ બ્રિટનમાં રહેતા ભારતીયોમાં ફેલાયેલા વ્યાપક આક્રોશ અને પ્રતિકારરૂપે change.org પર શરૂ કરવામાં આવેલી પીટીશનને સાંપડેલા સજ્જડ પ્રતિસાદ બાદ લેસ્ટર સીટી મેયર સર પીટર સૉલસ્બીએ આ પ્રતિમા સલામત રહેશે અને તેને નીચે ઉતારવામાં આવશે નહિં તેવી ખાતરી આપી છે.
સર પીટરે જણાવ્યું હતું કે ‘’ગાંધીજીની પ્રતિમાને નીચે ઉતારી લેવાની મારી કોઈ ઇચ્છા નહોતી, મેં આ વિષે કદી વિચાર્યું પણ નથી કે અમારી પાસે તેમ કરવાની કોઇ સત્તા પણ નથી કારણ કે આ પ્રતિમાનુ અનાવરણ, તે માટેનો ખર્ચો વગેરે સ્થાનિક સમુદાય – સમન્વય પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ આપણા બધા માટે અને ભારતમાં ખૂબ પ્રેરણાદાયી નેતા હતા, જેમણે વિશ્વને અહિંસા માટે પ્રેરણા આપી હતી.”
ડર્બીની કેરી પેંગુલિઅરે change.org પરની પીટીશનમાં ગાંધીજીને “ફાસીસ્ટ, રેસીસ્ટ અને સેક્સ્યુઅલ પ્રિડેટર ગણાવ્યા હતા અને ભારતના ભાગલા દરમિયાન લાખો લોકોની “અસંગત વેદના” માટે જવાબદાર ગણાવી તેમની પ્રતિમાને દૂર કરવા માંગ કરતી પીટીશન કરી હતી જેમાં 6,000 લોકોએ સહીઓ કરી સમર્થન આપ્યું હતું. લેસ્ટર ઇસ્ટના સાંસદ ક્લોડિયા વેબ્બે ગાંધી પરની ચર્ચાને બ્લેક લાઇવ્સ મેટરને તેના અભિયાનથી દૂર કરવાનો અસ્પષ્ટ વિક્ષેપ ગણાવ્યો હતો.
ભારતીય મૂળના લેસ્ટરના પૂર્વ સાંસદ કીથ વાઝે પ્રતિમાને હટાવવાની હાકલનો સખ્ત વિરોધ કરી ગાંધીજીને “ઇતિહાસના સર્વશ્રેષ્ઠ શાંતિ નિર્માતા” તરીકે વર્ણવી પ્રતિમાને હટાવવાના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે આ અરજી પાછી ખેંચી લેવાની અથવા તેના આયોજકોને વંશીય તિરસ્કાર ભડકાવવા માટે પોલીસ તપાસનો સામનો કરવા તૈયાર રહેવાની હાકલ કરી હતી. ગાંધીજીની પ્રતિમાને બચાવવા માટે કિથ વાઝ, સ્થાનિક કાઉન્સિલર્સ અને રહેવાસીઓએ પ્રતિમાની ચારેય તરફે શ્વેત રીબન સાથે રીંગ પણ રચી હતી.
સિટી મેયર સર પીટરએ કીથ વાઝને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “હું તમને નિશ્ચિત ખાતરી આપી શકું છું કે પ્રતિમાને હટાવવા માટે કાઉન્સિલ પાસે કોઇ પ્રસ્તાવ નથી અને તેવી સંભાવના પણ નથી – અને હું મેયર તરીકે રહીશ ત્યારે તો ચોક્કસ નથી.”
‘We can, we will, we must save Gandhiji. – It’s Now Or Never’ના હેડીંગ સાથે મૂળ દિવ, ગુજરાતની વતની અને લેસ્ટરમાં રહેતી અનુરાધિકા જીતેન્દ્રકુમાર બારૈયાએ 7 દિવસ પહેલા શરૂ કરેલી પીટીશનમાં જણાવ્યું હતું કે ‘’બ્લેક લાઇવ્સ મેટર માટે સમગ્ર વિશ્વમાં માનવતા એક થઈ છે. પરંતુ, શું પરિવર્તન લાવવા માટે શાંતિના નિર્માતાની પ્રતિમાઓનો નાશ કરવો જરૂરી છે? લેસ્ટરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ક્યારેય હટાવવી જોઈએ નહીં કારણ કે તે સ્વતંત્રતા, અહિંસા અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ પરિવર્તનના નેતા હતા અને નાગરિક અધિકારના નેતાઓ, માર્ટિન લ્યુથર કિંગ સહિત સમગ્ર વિશ્વના લોકોને પ્રેરણા આપતા હતા. આ પ્રતિમા લેસ્ટરના એશિયન સમુદાયના હૃદયનું પ્રતીક છે અને તેને અમારું ગૌરવ કહેવામાં અમે ગર્વ અનુભવીએ છીએ. તેમની પ્રતિમાને નષ્ટ કરવાથી માત્ર પોલીસ અને વિરોધીઓ શેરીઓમાં આવશે અને આપત્તિ આવશે.‘’ તેમની પીટીશનમાં સોમવારે બપોર સુધીમાં સાત જ દિવસમાં 7086 લોકોએ સહીઓ કરી સમર્થન આપ્યું હતું. જ્યારે વિરોધી પીટીશનમાં 6,000 સહીઓ એકત્ર થઇ હતી.