વેલ્સના કાર્ડિફ બે ખાતે લોઈડ જ્યોર્જ એવન્યુ, મિલેનિયમ સેન્ટર નજીક આવેલી ગાંધીજીની પ્રતિમાના સાન્નિધ્યમાં મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિની શુક્રવાર તા. 2 ઓક્ટોબરના રોજ સામાજિક અંતર જાળવીને ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના સત્તાવાર કાર્યક્રમના પ્રારંભે ભારતીય માનદ કોન્સ્યુલ રાજ અગ્રવાલ દ્વારા પ્રતિમાના ચરણોમાં ગુલાબની પાંખડીઓ અર્પણ કરવામાં આવી હતી. સખત કોવિડ નિયમોનું પાલન કરવા આ પ્રસંગે ત્યાં એક જ ફોટોગ્રાફર હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ભારતીય માનદ કોન્સ્યુલ રાજ અગ્રવાલ, શીખ કાઉન્સિલ ઓફ વેલ્સના પ્રમુખ ગુરમિત રંધાવા, ઇસ્કોન વેલ્સના પ્રમુખ તારક્સનાથન દાસ, એક અલગ જૂથમાં રોયલ નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર સુઝાન લિંચ, આર્મીના મેજર પીટ હેરિસન, RAFના વોરંટ અધિકારી સ્ટીવ પેરહામ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ અગ્રવાલે કહ્યું હતું કે “કોવિડના આ સમયમાં ગાંધીજીના ઉપદેશો તેમજ તેમની દુરંદેશીતાને યાદ રાખવુ વધુ મહત્વનું છે. તેમના ઘણા શબ્દો આ સમયે અત્યંત ગૌરવપૂર્ણ છે, ખાસ કરીને ગાંધીજીએ કહ્યું હતું કે તમારૂ ભવિષ્ય તમે આજે શું કરો છો તેના પર નિર્ભર છે અને તે આપણી વર્તમાન પરિસ્થિતિ સાથે મહત્વપૂર્ણ રીતે સુસંગતત છે. આખું વિશ્વ ગાંધીજીને એક મહાન નેતા અને સમજદાર આત્મા તરીકે ઓળખે છે. મહાત્મા ગાંધીએ ભારતને ફક્ત આઝાદી જ નહોતી અપાવી પણ અહિંસા, ધાર્મિક એકતા, તમામ લોકો અને જાતિઓ પરત્વે સામુદાયીક સદભાવનો સંદેશ આપ્યો હતો.
ગત વર્ષે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી કાર્ડિફ સિટી હૉલમાં કરવામાં આવી હતી અને તેમાં 400થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય રાષ્ટ્રધ્વજના રંગની લાઇટ્સ દ્વારા સમગ્ર બિલ્ડિંગને સજાવવામાં આવ્યું હતું તેમજ સમગ્ર શહેરમાં ચિહ્નો અને ધ્વજ મૂકાયા હતા. ગાંધીજીનો જન્મદિવસ વિશ્વભરમાં ઇમ્ટરમેશનલ ડો ફોર નોનવાયોલન્સ તરીકે ઉજવવામાં આવે છે.