અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના સૂચિત રિડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેમને દલીલ કરી છે કે આ પ્રકારનું રિડેવલપમેન્ટ ગાંધીજીની અંતિમ ઇચ્છા અને તેમના વિચારો વિરૃદ્ધ છે. મહાત્મા ગાંધીના કોઇપણ આશ્રમ ક્યારેય સરકારના નિયંત્રણ હેઠળ નહોતા. આઝાદીની ચળવળ સાથે જોડાયેલા પવિત્ર સ્મારકને આવી રીતે કોમર્શિયલ ટુરિઝમ સ્થળમાં પરિવર્તિત ન કરવું જોઇએ. અરજીની સુનાવણી દિવાળી બાદ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સરકારે આશ્રમની આજુબાદીની આશરે 48 હેરિટેજ પ્રોપર્ટીનો સમાવેશ કરીને 54 એકરમાં જમીનમાં તેનો વિકાસ કરીને વર્લ્ડ કલાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની યોજના તૈયાર કરી છે.
ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગ દ્વારા ગાંધી આશ્રમ મેમોરિયલના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસ માટે એક ગવર્નિંગ કાઉન્સિલ અને એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની કંપની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને રિડેવલમેન્ટની કામગીરીનું અમલીકરણ સોંપવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિક ખર્ચ આશરે રૂ.૧૨૦૦ કરોડ છે. આ યોજના હેઠળ નવાં મ્યુઝિયમ, એમ્ફીથિયેટર, વી.આઇ.પી. લોન્જ, દુકાનો અને ફૂડકોર્ટ સહિત વિવિધ સ્થળો ઉભા કરવાનો પ્રસ્તાવ છે.
તુષાર ગાંધીની રજૂઆત છે કે કોઇપણ ગાંધી આશ્રમમાં અત્યાર સુધી સરકારનું સંચાલન રહ્યું નથી અને આવી રીતે આશ્રમ ટેકઓવર કરી તેનું રિડવેલપમેન્ટ કરાયું નથી. આ પ્રકારનું રિડેવલપમેન્ટ ગાંધીજીની અંતિમ ઇચ્છા અને તેમના વિચારો વિરૃદ્ધ છે. આઝાદીની ચળવળ સાથે જોડાયેલા આવાં પવિત્ર સ્મારકને આવી રીતે કોમર્શિયલ ટુરિસ્ટ સ્થળ બનાવી શકાય નહીં.