સની દેઓલની ગદર-2 ફિલ્મ રિલીઝ થયાના એક જ અઠવાડિયામાં રૂ.300 કરોડની ક્લબમાં સામેલ થઈ હતી. ફિલ્મની કુલ કમાણી રૂ.304.13 કરોડ રહી હતી. આની સાથે જ ‘ગદર-2’ પહેલા જ અઠવાડિયાંમાં સૌથી વધુ કલેક્શનના મામલે બીજી સૌથી મોટી હિન્દી ફિલ્મ બની હતી. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’એ પ્રથમ સપ્તાહમાં રૂ.378 કરોડની કમાણી કરી હતી. જોકે ‘ગદર 2′ એ’ KGF 2′ નો રૂ.268 કરોડ અને ‘બાહુબલી 2’નો રૂ.247 કરોડનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ગદર-2ની ઐતિહાસિક સફળતા પછી સની દેઓલ, જેપી દત્તા અને નિધિ દત્તાએ બોર્ડર-2 માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. બોર્ડર-2 ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવશે. બોર્ડર-2માં સની દેઓલ ઉપરાંત યુવા પેઢીના કલાકારો જોવા મળશે. ફિલ્મની સત્તાવાર જાહેરાત એક પખવાડિયામાં થવાની ધારણા છે.
આ ગતિવિધિથી માહિતગાર સૂત્રે જણાવ્યું હતું કે બોર્ડરનો ભારતીય સિનેમાની સૌથી ઐતિહાસિક બ્લોકબસ્ટર્સ ફિલ્મોમાં સમાવેશ થાય છે અને તેની સરળતાથી પાર્ટ-ટુ બનાવી શકાય છે. સની દેઓલ, જેપી દત્તા અને નિધિ દત્તાની ટીમ છેલ્લા 2-3 વર્ષથી બોર્ડરની સિક્વલ બનાવવાની સંભાવના વિશે ચર્ચા કરી રહી છે અને હવે તેને આખરી ઓપ અપાયો છે. ટીમે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની કહાની નક્કી કરી છે. આ કહાની હજુ સુધી મોટા પડદા પર આવી નથી.
આ ફિલ્મને જેપી દત્તા અને નિધિ દત્તા પ્રોડ્યુસ કરશે. સૂત્રે જણાવ્યું હતું કે તેઓ બાર્ડર 2 માટે એક ટોચના સ્ટુડિયો સાથે ભાગીદારીની મંત્રણા કરી રહ્યાં છે અને ટૂંકસમયમાં ફિલ્મની સત્તાવાર જાહેરાત થશે. ફિલ્મની કહાની લખવાની પ્રક્રિયા ટૂંકસમયમાં ચાલુ થશે.
બોર્ડર-2માં સન્ની દેઓલ ઉપરાંત યુવા પેઢીના કલાકારો હશે. બોર્ડરના તમામ કલાકારોનો બોર્ડર-2માં સમાવેશ ન થવાની ધારણા છે. બોર્ડર 1997માં રીલિઝ થઈ હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મે તેના વ્યાપ, ઇમોશન, પર્ફોર્મન્સ, ડ્રામા અને સંગીત માટે ભરપૂર પ્રશંસા મેળવી હતી.