ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલ લિમિટેડે આઇકોનિક અમેરિકન ફેશન બ્રાન્ડ ગેપને ભારતમાં લાવવા માટે ગેપ ઇન્ક. સાથે લાંબાગાળાની ભાગીદારી કરી છે, એમ રિલાયન્સ રિટેલ લિમિટેડના ફેશન એન્ડ લાઇફસ્ટાઇલના સીઇઓ અખિલેશ પ્રસાદે જણાવ્યું હતું.
લાંબાગાળાના ફ્રેન્ચાઇઝી કરાર દ્વારા રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ચેનલોમાં ગેપ માટે સત્તાવાર રિટેલર બની ગયું છે. રિલાયન્સ રિટેલ એક્સક્લુઝીવ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટી-બ્રાન્ડ સ્ટોર એક્સપ્રેશન્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના સમન્વય દ્વારા ભારતીય ગ્રાહકો માટે ગેપની નવીનતમ ફેશન ઓફરિંગ્સ રજૂ કરશે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય અગ્રણી કેઝ્યુઅલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે ગેપની પ્રતિષ્ઠાનો લાભ લેવાનો છે અને રિલાયન્સ રિટેલની મજબૂત ઓમ્ની-ચેનલ રિટેલ નેટવર્કના સંચાલનમાં અને સ્થાનિક ઉત્પાદન તથા સોર્સિંગ કાર્યક્ષમતાઓને વધુ બહેતર બનાવવામાં સક્ષમતા સ્થાપિત કરવાનો છે.
સાન ફ્રાન્સિસ્કોમાં 1969માં સ્થપાયેલી ગેપ ડેનિમ ઉત્પાદનો આધારીત તેના વૈભવી વારસાને વધુ ઉજાગર કરવાનું નિરંતર જારી રાખી રહ્યું છે અને કંપની સંચાલિત ફ્રેન્ચાઇઝ રિટેલ લોકેશન્સ પર અને ઓનલાઈન પદ્ધતિથી વૈશ્વિક સ્તરે ગ્રાહકો સાથે જોડાયેલું છે. માત્ર વસ્ત્રોનું વેચાણ કરવા કરતાં ગેપ મજબૂત વિઝન સાથે એક અલાયદી સંસ્કૃતિને આકાર આપે છે, વ્યક્તિઓ, પેઢીઓ અને સંસ્કૃતિઓ વચ્ચેના અંતરને દૂર કરીને અમેરિકન શૈલીની અનન્ય આમૂલ અને આશાવાદી ભાવનાને રજૂ કરે છે. રિલાયન્સ રિટેલ ભારતમાં ગ્રાહકો માટે ગેપનો શોપિંગ અનુભવ લાવે છે, જે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે બ્રાન્ડની યુવા, આશાવાદી ફેશન રજૂ કરે છે.