ચીન સામે મક્કમ મોરચોઃ વાઈરસના ઉદભવની વિસ્તૃત તપાસની માંગણી
ચીન, રશિયાની વધતી વગ સામે પશ્ચિમી દેશો પણ સ્પર્ધામાં ઉતરશે
ઈંગ્લેન્ડમાં ગયા સપ્તાહે મળી ગયેલી જી7 દેશોની શિખર બેઠકમાં અ
મેરિકાએ ફરી તે વિશ્વ નેતા બનવા સજ્જ હોવાના સંકેતો આપ્યા હતા, તો બધા જ દેશોએ સાથે મળીને ક્લાઈમેટ ચેન્જ, કોરોના વાઈરસના રોગચાળા તેમજ ચીને વિશ્વના ગરીબ દેશો ઉપર વર્ચસ્વ જમાવવાના ઈરાદે શરૂ કરેલી વન બેલ્ડ વન રોડ યોજના ઉપર પાણી ફેરવવા બિલ્ડ બેક બેટર વર્લ્ડ (B3W) યોજનાની પણ જાહેરાત કરી હતી. જી7 દેશોએ શિખરના અંતે જારી કરેલી એક યાદીમાં એવી માંગણી કરી હતી કે ચીને કોરોના વાઈરસના ઉદભવ અંગે નવેસરથી પ્રામાણિક તપાસની સંમતિ, મંજુરી આપવી જોઈએ.
સાત પશ્ચિમી દેશોના આ જૂથે હોંગકોંગમાં ચીનની લોકશાહીને ગુંગળાવી મારવાની ગતિવિધિઓ તેમજ ઉઈઘર મુસ્લિમોના ઉત્પીડન મુદ્દે પણ તેની આકરી ટીકા કરી માનવાધિકારોને માન આપવા ચીનને અનુરોધ કર્યો હતો. જી7 દેશોએ કહ્યું હતું કે અમારા લોકશાહી મૂલ્યોનું જતન કરીશું, કરાવીશું.
જી7 દેશોના નેતાઓએ જાહેરાત કરી હતી કે ખાસ કરીને વિશ્વના ગરીબ દેશોને વિના મૂલ્યે કોરોના વિરોધી રસીની સહાયરૂપે આ સાત દેશો મળી આ વર્ષે તેમજ આવતા વર્ષે કુલ એક અબજ (બિલિયન) રસી તેઓ પુરી પાડશે. જો કે, ટીકાકારો સહિતના સેવાભાવી સંગઠનો, વિશ્વ આરોગ્ય સંસ્થા વગેરે આ જાહેરાત આવકારતા એવી ટીપ્પણી પણ કરી હતી કે, આ સહાય ખૂબજ ઓછી અને ખૂબજ મોડી છે, સમગ્ર વિશ્વને રસીકરણ દ્વારા સુરક્ષિત કરવા માટે સમૃદ્ધ દેશોએ આ દિશામાં હજી વધારે કરવાની જરૂર છે. કેમ્પેઈનર્સના મતે ગરીબ દેશોને સહાય માટે 11 બિલિયન વેક્સિન ડોઝની આવશ્યકતા છે.
જી7 દેશોની આ બેઠકમાં સૌથી મહત્ત્વની બાબત જો બાઈડેનના નેતૃત્ત્વ હેઠળનું અમેરિકા ફરી વિશ્વ નેતાની ભૂમિકા માટે સક્રિય હોવાની રહી છે. અમેરિકાએ ક્લાઈમેટ ચેન્જ (પર્યાવરણના જતન, આબોહવાના પરિવર્તન) મુદ્દે પણ વિશ્વના અન્ય દેશોને સહાય વધારવા પોતે સજ્જ હોવાનું જણાવ્યું છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન તેમજ તેમના બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાનના સાથીઓએ યાદીમાં કહ્યું હતું કે, અમે લોકશાહી, આઝાદી, સમાનતા, કાયદાના શાસન તથા માનવાધિકારોના આદરની શક્તિને યોગ્ય માર્ગે વાળી વિશ્વ સમક્ષના સૌથી મોટા પડકારોનો પણ સામનો કરીશું.
બિલ્ડ બેક બેટર વર્લ્ડ
ચીનની ઓબોર યોજના પછી તેના વધી રહેલા વર્ચસ્વને કાબુમાં રાખવા વિશ્વના ગરીબ અને ઓછી આવકવાળા દેશોમાં રેલવે વગેરે જેવી માળખાકિય સુવિધાઓમાં સહાય માટે અબજો ડોલર્સનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની પ્રતિબદ્ધતા પણ જી7 દેશોએ દર્શાવી હતી.
સાત મુખ્ય દેશોના ગ્રુપ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ભારત, સાઉથ આફ્રિકા તથા સાઉથ કોરીઆના નેતાઓ પણ પરોક્ષ રીતે જી7ની ચર્ચાઓમાં એક દિવસ માટે જોડાયા હતા. તો ભારતથી મળતા અહેવાલો મુજબ જી7 દેશોની બિલ્ડ બેક બેટર વર્લ્ડ યોજનામાં ભારતમાં પણ સહભાગી થશે. ભારત ચીનની ઓબોર યોજનામાં જોડાયું નથી અને તેનો સતત વિરોધ પણ કરતું રહ્યું છે.