ઇન્ડોનેશિયાના બાલીમાં બે દિવસના G–20 શિખર સંમેલનના સમાપન સમારંભમાં બુધવાર 16 નવેમ્બરે ઇન્ડોનેશિયાએ G20નું પ્રમુખપદ ભારતને સોંપ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને દરેક ભારતીય નાગરિક માટે ગર્વની બાબત ગણાવી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘણુ જ મહત્ત્વ આપ્યું હતું. બીજી તરફ બ્રિટનના ભારતીય મૂળના નવા વડાપ્રધાન ઋષિ સુનક અને મોદી વચ્ચેની મુલાકાત પછી બ્રિટન ભારતના લોકો માટે 3 હજાર વિઝા જારી કરવાની જાહેરાત કરી હતી.
મોદીએ G20 સમિટ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડન, યુકેના વડા પ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રથમ સેશનમાં ભારતના મહત્ત્વનું ઉદાહરણ મળ્યું હતું. મોદી અમેરિકાના પ્રેસિડન્ટને જોઇ શક્યા ન હતા. મોદી સીટ પરથી ઉઠીને બીજી તરફ જતાં હતા ત્યારે બાઇડને તેમને બોલાવ્યા હતા અને બંને વચ્ચે ઉષ્માભેર મુલાકાત થઈ હતી. તે સમયે મેક્રોન પણ આવ્યા હતા અને ત્રણેય નેતાઓએ થોડા સમય માટે વાચતીત કરી હતી.
ઇન્ડોનેશિયાના બાલીમાં G20 દેશોએ બુધવારે વિશ્વ સમુદાયને મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ સામે અસરકારક રીતે લડવા માટે તેમના પ્રયત્નોને તેજ કરવાની હાકલ કરી હતી. સભ્ય દેશોએ આવા જોખમો સામેના વૈશ્વિક પગલાં માટે FATF અને તેની પ્રાદેશિક એજન્સી માટે ફરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બે દિવસીય G20 સમિટના અંતે જારી કરાયેલ સંયુક્ત ઘોષણાપત્રમાં જણાવાયું હતું કે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ધોરણોને અપનાવવા અને તેનો અસરકાર અમલ કરવા આ ગ્રૂપ તમામ સભ્યોને પ્રોત્સાહિત કરે છે. અમે મની લોન્ડરિંગ, ટેરર ફાઇનાન્સ સામે અટકાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રયાસોને વેગીલા બનાવવા આ ગ્રૂપના સભ્યો સંમત થયા હતા. એફટીએફની સ્થાપના 1989માં થઈ હતી. તે મની લોન્ડરિંગ, ટેરર ફાઇનાન્સિંગ સામે લડત આપે છે.
શિખર સંમેલનના સમાપન સમારંભમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ જી-20નું પ્રમુખપદ ઔપચારિક રીતે સોંપ્યું હતું. ભારત 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G20 નું પ્રમુખપદ સંભાળશે.
આ ગ્રૂપનું પ્રમુખપદ મળ્યા પછી મોદીએ જણાવ્યું હતું કે હાલમાં દુનિયાની નજર ભારત પર છે. આગામી એક વર્ષમાં અમે ઇચ્છીએ છીએ કે જી-20 એકજૂથ થઈને કામ કરે. મોદીએ જણાવ્યું હતું કે ‘ડેટા ફોર ડેવલપમેન્ટ‘નો સિદ્ધાંત ભારતના G-20 પ્રેસિડેન્સીની થીમનો અભિન્ન ભાગ હશે. વિશ્વ ભૌગોલિક રાજકીય તણાવ, આર્થિક મંદી, ખાદ્યપદાર્થો અને ઊર્જાની વધતી કિંમતો સાથે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતે G-20 ની જવાબદારી સંભાળી છે.
જી-20ના સમાપન સમારંભમાં મોદીએ જણાવ્યું હતું કે “ભારતનું G20 પ્રમુખપદ સર્વગ્રાહી, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને પગલાલક્ષી હશે. આગામી એક વર્ષમાં અમારો પ્રયાસ રહેશે કે G20 સામૂહિક પગલાંને પ્રોત્સાહન આપવા વૈશ્વિક પ્રેરકબળ તરીકે કામ કરે.
મોદીએ જણાવ્યું હતું કે ગરીબી સામે દાયકાઓથી ચાલી રહેલી વૈશ્વિક લડાઈમાં ડિજિટલ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ મુખ્ય પ્રેરકબળ બની શકે છે. ડિજિટલ સોલ્યુશન્સ ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં મદદરૂપ થઈ શકે છે, જેમ કે આપણે કોવિડ દરમિયાન રિમોટ-વર્કિંગ અને પેપરલેસ ઓફિસોના ઉદાહરણોમાં જોયું છે.
મોદીએ ઈન્ડોનેશિયામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારતે G20 નું પ્રમુખપદ સંભાળ્યું તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. અમે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં G20 બેઠકોનું આયોજન કરીશું. સાથે મળીને અમે G20 ને વૈશ્વિક પરિવર્તન માટે પ્રેરકબળ બનાવીશું. આપણે G20 એજન્ડામાં મહિલાઓના નેતૃત્વમાં વિકાસને પ્રાથમિકતા આપવી પડશે. વડા પ્રધાને એ પણ ધ્યાન દોર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશાળ ડિજિટલ વિભાજન છે, પરંતુ જ્યારે ભારતની વાત આવે છે, ત્યારે અમે ડિજિટલ ઍક્સેસને સાર્વજનિક બનાવીએ છીએ.
બ્રિટને દર વર્ષે 3,000 વિઝા મંજૂર કર્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પછી બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ભારતના યુવા પ્રોફેશનલને દર વર્ષે યુકેમાં કામ કરવા માટે 3,000 વિઝા આપવાની મંજૂરી આપી છે. બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે ભારત આવી સ્કીમનો લાભ મેળવનાર પ્રથમ દેશ છે, જે ગયા વર્ષે સંમત થયેલા યુકે-ઈન્ડિયા માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપની મજબૂતાઈને દર્શાવે છે.
બ્રિટનના વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે આજે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં 18-30 વર્ષના ડિગ્રીધારક ભારતીય નાગરિકોને યુકેમાં રહેવા અને કામ કરવા માટે 3,000 સ્થળોની ઓફર કરવામાં આવી છે.