G20 foreign ministers,global controversy
આગ્રામાં જી-20 માટે ભારતનો લોગો (ANI Photo)

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ બે ભાગો વિભાજિત થઈ ગયું છે ત્યારે અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવી રહેલા ભારતમાં G20 દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનો બુધવારે સત્તાવાર પ્રારંભ થયો હતો.
જી-20 વિદેશ પ્રધાનોની બેઠકને સંબોધતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું G20ની બેઠક માટે તમામ વિદેશપ્રધાનોનું ભારતમાં સ્વાગત કરું છું. આ બેઠક એકતાનો સંદેશ આપે છે. મને આશા છે કે આજની આ બેઠક આપણા ઉદ્દેશોને હાંકલ કરવા એકજૂથ થવાની ભાવના દર્શાવશે.

મોદીએ જણાવ્યું હતું કે ઘણા વિકાસશીલ દેશો હાલમાં ફૂડ અને અનર્જી સિક્યોરિટી માટે દેવાંના બોજ હેઠળ દબાઈ ગયા છે. અમીર દેશોએ જે ગ્લોબલ વોર્મિંગ કર્યું છે એની સૌથી વધુ અસર ગરીબ દેશો પર પડી રહી છે. આ કારણે ભારતે G20 પ્રેસિડન્સી હેઠળ ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક એવા સમયે મળી છે, જ્યારે વિશ્વ ઘણું જ વિભાજિત થઈ ગયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે આર્થિક કટોકટી, જળવાયુ પરિવર્તન, મહામારી, આતંકવાદ અને યુદ્ધ જોયાં છે. આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગ્લોબલ ગવર્નેન્સ નિષ્ફળ ગયું છે. વિશ્વના સૌથી વધુ મહત્ત્વના મુદ્દાઓને હેન્ડલ કરવા માટે રચાયેલી સંસ્થાઓ સૌથી મોટા પડકારોને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે.

લગભગ પાંચ મહિના બાદ રશિયા અને અમેરિકા ઉપરાંત ચીનના વિદેશપ્રધાનો એક જ મંચ પર હાજર છે. બેઠક દરમિયાન અથવા તેથી અલગ ભારતના વિદેશપ્રધાન જયશંકર રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે સંબંધિત પક્ષો સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે પણ સંબંધો વણસે છે. આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ ખરાબ છે. તેથી ચીન અને અમેરિકાના વિદેશ પ્રધાનો એકબીજાને મળશે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. સીમા વિવાદ વચ્ચે ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની બેઠક પર પણ સમગ્ર વિશ્વની નજર રહેશે.

LEAVE A REPLY