ક્રિપ્ટો કરન્સી અંગે વિશ્વના દેશોમાં અલગ નિયમો છે ત્યારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને ક્રિપ્ટો એસેટ્સના વૈશ્વિક નિયમન માટે G20 દેશોમાં સંમતિ હોવાની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે, ક્રિપ્ટો એસેટ્સના પડકારો માટે જ નહીં, તેના નિયમન માટે પણ સંકલિત અભિગમ જરૂરી છે. સભ્ય દેશોએ મુદ્દા અંગે ત્વરિત પ્રતિક્રિયા આપી હતી અને જી૨૦માં ભારતના અધ્યક્ષપદ હેઠળ ક્રિપ્ટો એસેટ્સ અંગે ‘સિંથેસિસ પેપર’ પર વિચારણા કરાશે.
ઉલ્લેખનીય છે કે, IMF અને વર્લ્ડ બેન્કની વાર્ષિક ‘સ્પ્રિંગ મીટિંગ’માં હાજરી આપવા ગયેલા નાણાપ્રધાન સીતારામન અને રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસે જી૨૦ દેશોના નાણાપ્રધાનો અને મધ્યસ્થ બેન્કોના ગવર્નર્સની બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં ક્રિપ્ટો કરન્સી અને તેના પડકારોની ચર્ચા કરવામાં આવી હતી. સીતારામને જણાવ્યું હતું કે, “સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જી૨૦ના દેશો ક્રિપ્ટો મુદ્દે ચર્ચા કરશે. ત્યાર પછી આ મુદ્દે સભ્ય દેશોની સમજણને આધારે માર્ગરેખા તૈયાર કરવામાં આવશે.”