જી-સેવન દેશોની શિખર બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ ધનિક દેશોને ભારતના ક્લિન ટેકનોલોજી સેક્ટરમાં રોકાણનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે પર્યાવરણ સુધારવાની જવાબદારી અંગે ભારતની પ્રતિબદ્ધતા તેની કામગીરીમાં દેખાય છે અને જી-7ના ધનિક દેશો પર્યાવરણમાં સુધારા માટે ભારતના પ્રયાસોને સમર્થન આપશે.
‘ઇન્વેસ્ટીંગ ઇન એ બેટર ફ્યુચર-ક્લાયમેટ, એનર્જી, હેલ્થ’ અંગેના જી-7ના શિખર સંમેલનમાં મોદીએ ભારતના ટ્રેક રેકોર્ડ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ભારતે નોન ફોસિલ સંસાધનોમાંથી 40 ટકા એનર્જી કેપેસિટી તેના નિર્ધારિત સમય કરતા 9 વર્ષ અગાઉ હાંસલ કરી લીધી છે. પેટ્રોલોમાં ઈથેનોલ-બ્લેન્ડિંગનું 10 ટકાનું ટાર્ગેટ સમય કરતા ભારતે હાંસલ કર્યું છે.ભારત પાસે વિશ્વનું સંપૂર્ણ પણે સોલાર પાવર ઓપરેટેડ હવાઇ મથક છે. ભારતની રેલવે સિસ્ટમ આ દાયકામાં નેટથી સુસજ્જ થઇ જશે. જી-7 દેશો આ ક્ષેત્રમાં રીસર્ચ, નવિનીકરણ અને મેન્યુફેક્ચુરીંગ ક્ષેત્રે રોકાણ કરી શકે છે તેમ જણાવતા મોદીએ ઉમેર્યું હતું કે, ભારતમાં વિશ્વની 17 ટકા વસ્તી રહે છે. તેની સામે વૈશ્વિક કાર્બન પ્રદુષણમાં તેનો ફાળો માત્ર 5 ટકા છે.