ઇટલીના રોમમાં 30 ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલી જી-૨૦ની બેઠકમાં ગરીબ દેશો માટે કોરોના રસીનું ઉત્પાદન વધારવા માટે વૈશ્વિક નેતાઓ સંમત થયા હતા. ક્લાઈમેટ ચેન્જ સામેની લડતમાં પૃથ્વીનું તાપમાન ૧.૫ ડિગ્રી સુધી ઘટડવા માટે પણ વૈશ્વિક નેતાઓમાં સંમતી સધાઈ હતી.વડાપ્રધાન મોદીએ જી-૨૦ની બેઠક દરમિયાન અમેરિકન પ્રેસિડન્ટ બાઈડેન, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મૈક્રોં, ઈટાલીના વડાપ્રધાન મારિઓ ડ્રાગી, ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સહિતના વૈશ્વિક નેતાઓ સાથે ઉમળકાભેર મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જી-૨૦ની બેઠકમાં જણાવ્યું હતું કે ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં કોરોના રસીના ૫૦૦ કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે, જે કોરોના મહામારી સામેની લડતમાં વિશ્વને મદદરૂપ થશે.
ઈટલીના વડાપ્રધાન મારિયો ડ્રાગીએ કહ્યું હતું કે આપણે દુનિયાના ગરીબ દેશો સુધી કોરોનાની રસી પહોંચાડવાના પ્રયાસો બમણા કરવા પડશે. અમીર દેશોમાં ૭૦ ટકા વસતીનું રસીકરણ થઈ ગયું છે જ્યારે ગરીબ દેશોમાં માત્ર ૩ ટકા વસતીને જ કોરોનાની રસી આપી શકાઈ છે. આ અનૈતિક છે. આ સંદર્ભમાં વિશ્વના બધા જ નેતાઓએ ગરીબ દેશો માટે કોરોના રસીનું ઉત્પાદન વધારવા માટે સહમતી વ્યક્ત કરી હતી.
રોમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોના સંદર્ભમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્ર પ્રવાસને સરળ બનાવવા અને તેના માટે વેક્સિનેશન સર્ટિફિકેશનને પારસ્પરિક માન્યતા આપવા તંત્ર ગોઠવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ કોવેક્સિનના ઈમર્જન્સી વપરાશ માટે ડબલ્યુએચઓની મંજૂરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારતની સ્વદેશી રસીને હજુ મંજૂરી પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે કોવેક્સિનને મંજૂરી અન્ય દેશોને પણ કોરોના સામેની લડતમાં મદદરૂપ થશે.
મોદીએ ૧૫૦થી વધુ દેશોને ભારતના મેડિકલ સપ્લાય અને કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક સપ્લાય ચેઈન જાળવવામાં ભારતના યોગદાન પર પ્રકાશ પાડયો હતો. શ્રૃંગલાએ કહ્યું કે, વડાપ્રધાને ‘ગ્લોબલ ઈકોનોમી એન્ડ ગ્લોબલ હેલ્થ’ સત્ર દરમિયાન આ નિવેદન કર્યું હતું. કોરોના સામે લડવા મજબૂત વૈશ્વિક સપ્લાય ચેઈનની જરૂરિયાત પર ભાર મૂકતા વડાપ્રધાન મોદીએ ભારતના સાહસિક આર્થિક સુધારા અંગે પણ વાત કરી હતી અને જી-૨૦ રાષ્ટ્રોને વૈશ્વિક અર્થતંત્રના સુધારામાં ભારતના ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ‘વન અર્થ, વન હેલ્થ’ના વિઝનના પરીપ્રેક્ષ્યમાં ભાવી વૈશ્વિક સ્વાસ્થ્ય મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.