જમ્મુ કાશ્મીરમાં જી20 દેશોના ટુરિઝમ અધિકારીઓની ત્રણ દિવસની બેઠકનો સોમવારે પ્રારંભ થયો હતો. કાશ્મીરમાં આ બેઠકોનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો અને ચીને તેને સમર્થન આપ્યું હતું. આ બંને દેશોએ આ બેઠકમાં હાજરી આપી ન હતી. તૂર્કી અને સાઉદી અરેબિયાએ પણ માત્ર ખાનગી ક્ષેત્રના ટુરિઝમ અધિકારીઓને મોકલ્યા હતા. ભારતના જી-20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે આ બેઠકમાં 60 વિદેશી પ્રતિનિમંડળે ભાગ લીધો હતો.
પાકિસ્તાન સરકારે મુસ્લિમ દેશોને કાશ્મીરમાં યોજાનારી જી -20 બેઠકમાં ભાગ ન લેવા અપીલ કરી હતી. પાકિસ્તાનનના કબજા હેઠળના કાશ્મીરમાં કેટલાંક લોકોએ વિરોધી દેખાવો પણ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ સોમવારે પ્રદેશની મુલાકાત લીધી હતી અને કાશ્મીરની વિધાનસભાને સંબોધિત કરી હતી. તેમણે G20 મેળાવડાને ગેરકાયદેસર ગણાવ્યો હતો અને વિવાદિત ક્ષેત્ર પર તેના નિયંત્રણ પર કાયદેસરતા મેળવવા માટે ભારતનો પ્રયાસ હતો.
કાશ્મીરમાં જી-20ની આ બેઠકનું આયોજન કરી ભારત દુનિયાને આ સંદેશો આપવા માંગે છે કે આ ભારતનો અભિન્ન અંગ છે. આ સાથે ભારત કાશ્મીરમાં પર્યટન ક્ષેત્રને વિકસાવવા માંગે છે. અધિકારીઓનુ કહેવુ છે કે દુનિયાના સૌથી વધુ તાકાતવાન ક્લબ જી-20ના સભ્ય દેશોની ભાગીદારી ભારતના સમર્થનમાં જોવા મળી રહી છે. ભારતે 5 ઓગસ્ટ 2019માં જમ્મુ- કાશ્મીરમાથી કલમ 370 હટાવીને વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરી દીધો હતો.
તુર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયપ એર્દોગને કેટલાય પ્રસંગે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ચુક્યા છે. એર્દોગન ફેબ્રુઆરી 2020માં પાકિસ્તાન ગયા ત્યારે પણ તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમા પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપવાનુ ચાલુ રાખશે. આ સાથે વધુ ઉમેરતા તેમણે કહ્યું હતું કે, કાશ્મીર પાકિસ્તાન માટે એટલું જ મહત્વનું છે જેટલું તુર્કી માટે છે. તે પછી ભારતે તેના વળતા જવાબ આપતા કહ્યું કે તુર્કીએ ભારતના આંતરિક મામલામાં દખલગીરી કરવી જોઈએ નહી.