ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 શિખર સંમેલનમાં સંબોધન કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એનર્જી સપ્લાય પર કોઈપણ પ્રતિબંધોને પ્રોત્સાહન ન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ફરી એકવાર યુક્રેન સંઘર્ષનો કૂટનીતિ દ્વારા ઉકેલવા લાવવાની હાકલ કરી હતી.
મોદીએ કહ્યું હતું કે આબોહવા પરિવર્તન, કોવિડ -19 મહામારી, યુક્રેનની ગતિવિધી અને તેની સાથે સંકળાયેલી વૈશ્વિક સમસ્યાઓએ વિશ્વમાં પાયમાલી સર્જી છે, કારણ કે વૈશ્વિક પુરવઠા સપ્લાય ખોરવાઈ ગયો છે. યુક્રેન પર મોસ્કોના આક્રમણને પગલે રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસની ખરીદી સામે પશ્ચિમી દેશોના નિયંત્રણો વચ્ચે મોદીએ આ ટીપ્પણી કરી હતી.
ફૂડ એન્ડ એનર્જી સિક્યોરિટી અંગેના સેશનમાં મોદીએ જણાવ્યું હતું કે “ભારતની ઉર્જા-સુરક્ષા વૈશ્વિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આપણે ઉર્જા પુરવઠા પર કોઈ નિયંત્રણોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં અને ઉર્જા બજારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવી જોઈએ.” આ સેશનમાં યુએસ પ્રમુખ જો બાઇડન અને રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવ જેવા વિશ્વ નેતાઓએ પણ હાજરી આપી હતી.
ભારત સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ માટે પ્રતિબદ્ધ હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે 2030 સુધીમાં અમારી અડધી વીજળી પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થશે. સર્વગ્રાહી એનર્જી ટ્રાન્સમિશન માટે સમયબદ્ધ અને સસ્તું ફાઇનાન્સ તથા વિકાસશીલ દેશોને ટેકનોલોજીનો સપ્લાય આવશ્યક છે.
પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં G20 ના નેતૃત્વ માટે ઇન્ડોનેશિયાની પણ પ્રશંસા કરતા મોદીએ જણાવ્યું હતું કે “ક્લાઇમેટ ચેન્જ, કોવિડ મહામારી, યુક્રેનની ગતિવિધિ અને તેની સાથે સંકળાયેલ વૈશ્વિક સમસ્યાઓએ વિશ્વમાં પાયમાલી મચાવી છે. વૈશ્વિક પુરવઠા ચેઇન બરબાદ થઈ ગઈ છે. આખા વિશ્વમાં આવશ્યક ચીજવસ્તુઓ, આવશ્યક ચીજવસ્તુઓની કટોકટી છે. દરેક દેશના ગરીબ નાગરિકો માટે પડકાર વધુ ગંભીર છે. રોજિંદા જીવન તેમના માટે પહેલેથી જ સંઘર્ષમય હતું.”
મોદીએ જણાવ્યું હતું કે દ્વિપક્ષીય સંકટને કારણે ગરીબ દેશો માટે આ સમસ્યાનો સામનો કરવા માટે નાણાકીય ક્ષમતા નથી. આપણે એ પણ સ્વીકારવામાં અચકાવું જોઈએ નહીં કે યુએન જેવી બહુપક્ષીય સંસ્થાઓ આ મુદ્દાઓ પર અસફળ રહી છે. આપણે બધા તેમાં યોગ્ય સુધારા કરવામાં નિષ્ફળ ગયા છીએ. તેથી આજે વિશ્વને G-20 પાસેથી મોટી અપેક્ષાઓ છે. તેનાથી જી-20ની સુસંગતતા વધુ નોંધપાત્ર બની ગઈ છે.
યુક્રેન સંઘર્ષ પર તેમણે વાટાઘાટો દ્વારા કટોકટીને ઉકેલવા માટેના વારંવારના હાકલ કરી હતી. મેં વારંવાર કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનો માર્ગ શોધવો પડશે. છેલ્લી સદીમાં બીજા વિશ્વ યુદ્ધે વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી. આવી તબાહી પછી તે સમયના નેતાઓએ શાંતિનો માર્ગ અપનાવવા ગંભીર પ્રયાસો કર્યા હતા. હવે આપણો વારો છે. કોવિડ પછીના સમયગાળા માટે નવી વિશ્વ વ્યવસ્થા બનાવવાની જવાબદારી આપણા ખભા પર છે.” વડા પ્રધાને કહ્યું કે વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે “નક્કર અને સામૂહિક સંકલ્પ” સમયની જરૂરિયાત છે. મને વિશ્વાસ છે કે આવતા વર્ષે જ્યારે જી-20 બુદ્ધ અને ગાંધીની પવિત્ર ભૂમિમાં મળશે, ત્યારે આપણે બધા વિશ્વને શાંતિનો મજબૂત સંદેશ આપવા માટે સંમત થઈશું.”