રાષ્ટ્રપતિ ભવને ‘પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા’ની જગ્યાએ ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’ના નામે 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે આમંત્રણ આપતા મંગળવારે મોટો વિવાદ ઊભો થયો હતો. 20મી આશિયન-ઇન્ડિયા સમીટ અને 18મી ઇસ્ટ એશિયા સમીટ માટે ઇન્ડોનેશિયાએ ભારતને આપેલા આમંત્રણમાં પણ નરેન્દ્ર મોદી માટે ‘પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત’ લખ્યું છે.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ભૂતપૂર્વ ક્રિકેટર સહેવાગ સહિતની દેશની અગ્રણી હસ્તીઓ અને રાજકીય નેતાઓએ પણ પોતાના અભિપ્રાય આપીને વિવાદમાં ઝુકાવ્યું હતું. સંસદના વિશેષ સત્ર પહેલા ઇન્ડિયાની જગ્યાએ ભારત નામના ઉપયોગથી એવી ચર્ચાને વેગ મળ્યો હતો કે હવે દેશનું નામ બદલી નાંખવામાં આવશે અને સંસદમાં તે અંગે ખરડો લાવવામાં આવશે. વિપક્ષે પોતાના ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખ્યું છે ત્યારે કેટલાંક રાજકીય નિરીક્ષકો સરકારની આ હિલચાલને લોકસભાની ચૂંટણી પહેલા મોદીનો માસ્ટરસ્ટ્રોક માને છે. તેથી ધારણા મુજબ જ વિપક્ષે આ નિર્ણયની આકરી ટીકા કરી હતી અને ભાજપના નેતાઓ વળતા પ્રહાર કર્યાં હતાં.
રસપ્રદ બાબત એ છે કે જી-20ની પુસ્તિકામાં પણ ભારત શબ્દનો ઉપયોગ કરાયો છે. આ પુસ્તિકાનું નામ “ભારત, લોકશાહીની માતા” રાખવામાં આવ્યું છે. ઘણા લોકો આ પરિવર્તનને વિપક્ષી ગઠબંધન “ઇન્ડિયા” અંગેની ગૂંચવળો ટાળવાના સાધન તરીકે જુએ છે.
નામકરણમાં ફેરફારને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સમર્થન આપ્યું હતું. ભાજપના નેતાઓની દલીલ હતી કે ઇન્ડિયા નામ બ્રિટિશ સંસ્થાનવાદીઓએ આપ્યું હતું અને તે “ગુલામીનું પ્રતીક” છે. 1947માં દેશને આઝાદી મળી ત્યાં સુધી અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું.
રસપ્રદ બાબત એ છે કે કોંગ્રેસના એક સાંસદે 2012માં રાજ્યસભામાં ખાનગી સભ્ય બિલ રજૂ કરીને માગણી કરી હતી કે બંધારણમાં પણ ઇન્ડિયાની જગ્યાએ ભારત લખવામાં આવે. કોંગ્રેસના શાંતારામ નાઈકે કહ્યું હતું કે ઇન્ડિયાથી વિપરીત ભારતનો અર્થ માત્ર ભૌગોલિક સરહદો કરતાં વિશેષ છે.
ભારત માતા કી જય: અમિતાભ બચ્ચન
G20 ડિનર કાર્ડમાં પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યા પછી છેડાયેલી ચર્ચા વચ્ચે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક્સ (ટ્વીટર)માં માત્ર એટલું લખ્યું હતું કે “ભારત માતા કી જય”. મહાનાયકે આની સાથે ત્રિરંગાની ઇમોજી પણ શેર કરી હતી. ટૂંક સમયમાં જ તેમની ટ્વીટએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતી કમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યાં હતા. ઘણા લોકોએ બચ્ચનના સમર્થનમાં ટીપ્પણી કરી હતી, જ્યારે બીજા કેટલાંક યુઝર્સે આવી ટ્વીટ લખવા બદલ અભિનેતાની ટીકા કરી હતી.
આપણો દેશ સત્તાવાર રીતે બે નામથી ઓળખાય છે
આશરે 1.4 અબજની વસ્તી ધરાવતો આપણો દેશ સત્તાવાર રીતે બે નામોથી ઓળખાય છે, તેમાં ઇન્ડિયા અને ભારતનો સમાવેશ થાય છે. ઇન્ડિયા નામનો ઉપયોગ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રીતે થાય છે. હિન્દુસ્તાન ત્રીજુ નામ છે અને તેનો ઉપયોગ સાહિત્ય અને લોકપ્રિય સંસ્કૃતિના અન્ય સ્વરૂપોમાં થાય છે. ભારત એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે. ઘણા ઈતિહાસકારો માને છે કે હિંદુ ગ્રંથો પણ ભારત નામનો ઉલ્લેખ છે.