દિલ્હી હાઇ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેની રૂ.24,713 કરોડની ડીલમાં આગળ ન વધવા માટે ફ્યુચર ગ્રૂપને ગુરુવારે આદેશ આપ્યો હતો. કોર્ટે આ ડીલમાં કોઇ વધુ પગલાં ન લેવા માટે ફ્યુચર રિટેલને તાકીદ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે કંપનીએ સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC)ના ઇમર્જન્સી એવોર્ડ (તાકીદના આદેશ)નો જાણીજોઇને ભંગ કર્યો છે. ફ્યુચર અને રિલાયન્સની આ ડીલને અમેરિકાની અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોન પડકારી હતી.
ફ્યુચર ગ્રૂપ અને તેના ડિરેક્ટર્સને બીપીએલ કેટેગરીના સિનિયર સિટિઝનના કોરોના વેક્સીન આપવા માટે વડાપ્રધાન રાહત ફંડમાં રૂ.20 લાખ જમા કરવાનો પણ આદેશ આપ્યો હતો.
હાઇ કોર્ટે ફ્યુચર ગ્રૂપના સીઇઓ કિશોર બિયાની અને આ ગ્રૂપ સાથે જોડાયેલા બીજા લોકોની સંપત્તિ જપ્ત કરવાની પણ આદેશ આપ્યો હતો. બિયાણી અને અન્યને 18 એપ્રિલે કોર્ટમાં હાજર થવાની તાકીદ કરાઈ હતી.
હાઇ કોર્ટે શો કોઝ નોટિસ આપતા પૂછ્યું હતું કે ઇમર્જન્સી આદેશના ઉલ્લંઘન માટે ત્રણ મહિના સુધી સિવિલ જેલમાં શા માટે ન રાખવા.
સિંગાપોરના લવાદ કોર્ટના 25 ઓક્ટોબર 2020ના આદેશના અમલ માટે એમેઝોને કરેલી અરજીના સંદર્ભમાં હાઇ કોર્ટે આ આદેશ આપ્યા હતા. સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC)એ તેનો અંતિમ આદેશન ન આવે ત્યાં સુધી રિલાયન્સ રિટેલ સાથેની રૂ.24,713 કરોડની ડીલમાં આગળ ન વધવા ફ્યુચર રિટેલ આદેશ આપ્યો હતો.
હાઇ કોર્ટનો આ આદેશ ભારતની બીજા ક્રમની સૌથી મોટી રિટેલ કંપની ફ્યુચર રિટેલની મોટી પીછેહટ છે. ફ્યુચર રિટેલે ગયા વર્ષે રિલાયન્સને તેનો રિટેલ બિઝનેસ વેચવાની સમજૂતી કરી હતી. જોકે ઇ-કોમર્સ કંપની એમેઝોને આ સોદા સામે વાંધો ઉઠાવ્યો હતો. એમેઝોન દલીલ કરી હતી કે ફ્યુચર ગ્રૂપના એક એકમ સાથે તેને 2019માં એક સમજૂતી કરી હતી. તેનાથી ફ્યુચર રિટેલ રિલાયન્સ સહિતની નિયંત્રિત વ્યક્તિઓની યાદીમાં આવતા કોઇપણને હિસ્સો વેચી શકે નહીં.