ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બહુચર્ચિત ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકો મોટી સંખ્યામાં અને વધુ પ્રમાણમાં દાન આપી રહ્યા છે. 15 જાન્યુઆરીથી વિશ્વ હિન્દુ પરિષદે દેશમાં ભંડોળ એકત્ર કરવા માટે અભિયાન શરુ કર્યુ છે અને તેની શરૂઆત રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. તેમણે આ પ્રોજેક્ટ માટે રૂ. પાંચ લાખનો ચેક આપ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રૂ. એક લાખનું દાન આપ્યું હતું. આમ, માત્ર 12 જ કલાકમાં મંદિર માટે કુલ રૂ. 23 કરોડ એકત્ર થયા છે. મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં મંદિર માટે રૂ. 100 કરોડની સહાય મળી છે અને આવનારા 45 દિવસમાં અંદાજે રૂ. બે હજાર કરોડ દાન સ્વરૂપે મળે તેવી સંભાવના છે. વિશ્વ હિન્દુ પરિષદે 15 જાન્યુઆરીથી મંદિર માટે સહાય મેળવવા જે અભિયાન શરૂ કર્યું છે તેનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં માત્ર એવા લોકોનો સંપર્ક કરાશે જે સમાજમાં જાણીતા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છે.
બીજા તબક્કામાં 1 થી 27 ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે ફરીને રામ મંદિર માટે અભિયાન ચલાવાશે. શુક્રવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદથી પરિષદે પ્રથમ તબક્કાની શરુઆત કરી છે અને તેમણે મંદિરના નિર્માણ માટે વ્યક્તિગત રીતે રૂ. પાંચ લાખનું દાન આપ્યું છે.
ગુજરાતમાંથી રામ મંદિરના નિર્માણ માટે સુરતના જાણીતા હીરા વેપારી ગોવિંદભાઇ ધોળકીયા સહિત અસંખ્ય ઉદ્યોગકારો એક જ દિવસમાં રૂ. 21 કરોડનું ભંડોળ શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં અર્પણ કર્યા હતા. જેમાંથી રૂ. 11 કરોડ તો માત્ર ગોવિંદભાઇ ધોળકિયાએ આપ્યા હતા. જયારે રૂ. 5 કરોડ જયંતિભાઇ કબુતરવાલા તથા એક કરોડ રૂપિયા લવજીભાઇ દાલિયા (બાદશાહ )એ આપ્યા હોવાનું રામ મંદિર નિધિ સમર્પણ સમિતિના ગુજરાતના ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું. અમદાવાદના પાલડીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત દરેક ક્ષેત્રની જેમ ધર્મ ક્ષેત્રમાં પણ અગ્રેસર રહેશે. ભાજપના ગુજરાતના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા તથા કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલે 5-5 લાખ રૂપિયા અર્પણ કર્યા હતા.