માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીના બેંક ખાતા થતા શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને ટાંચમાં લેવાનો ગુરુવારે આદેશ આપ્યો હતા. કુલ રૂ.5.35 કરોડની બાકી રકમ વસૂલવા માટે આ નિર્ણય કરાયો હતો. ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેર્સમાં ટ્રેડિંગમાં ગેરરીતિ સંબંધિત કેસમાં સેબીએ ઓક્ટોબર 2022માં આ પેનલ્ટી લાદી હતી.
ચોક્સી ગીતાંજલી જેમ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતાં તેમજ ગીતાંજલિ જેમ્સના પ્રમોટર જૂથનો ભાગ હતા. તેઓ નીરવ મોદીના રિલેટિવ છે. આ બંને ભાગેડુ સામે સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ.14,000 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે.
2018ની શરૂઆતમાં PNB કૌભાંડ બહાર આવ્યા પછી ચોક્સી અને મોદી બંને ભારતથી ભાગી ગયા હતાં. ચોક્સી એન્ટીગુઆ અને બાર્બુડામાં હોવાનું કહેવાય છે, જ્યારે નીરવ મોદી બ્રિટિશ જેલમાં બંધ છે અને તેને ભારતની પ્રત્યાર્પણ વિનંતીને પડકારી છે.
બાકી રકમની વસૂલાત કરવા માટે, સેબીએ તમામ બેંકો, ડિપોઝિટરીઝ CDSL અને NSDL તથા મ્યુચ્યુઅલ ફંડોને ચોક્સીના ખાતામાંથી કોઈપણ ડેબિટને મંજૂરી ન આપવા જણાવ્યું હતું. જો કે, ક્રેડિટની પરવાનગી આપવામાં આવી છે. વધુમાં, સેબીએ લોકર્સ સહિત તમામ એકાઉન્ટ ટાંચમાં લેવાનો બેન્કનો આદેશ આપ્યો છે.
આ કાર્યવાહી પહેલા, સેબીએ 18 મેના રોજ ચોક્સીને આ કેસમાં રૂ.5.35 કરોડ ચૂકવવા માટે ડિમાન્ડ નોટિસ મોકલી હતી અને જો તે 15 દિવસમાં ચુકવણી કરવામાં નિષ્ફળ જાય તો ધરપકડ અને સંપત્તિ તેમજ બેંક ખાતાઓ જપ્ત કરવાની ચેતવણી આપી હતી.