ઇન્ટરપોલે ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસને રદ્ કરી છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે બે બિલિયન ડોલરની છેતરપિંડીના કેસમાં ભારત સરકાર ચોક્સીને દેશમાં લાવવા સઘન પ્રયાસો કરી રહ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં ચોક્સીનો ‘રેડ કોર્નર’ નોટિસમાં સમાવેશ કરાયો હતો. ઇન્ટરપોલના ‘વોન્ટેડ લિસ્ટ’માંથી ચોક્સીનું નામ હટાવવાના મુદ્દે ભારત સરકારે ‘આક્રમક દલીલો’ કરી હતી. જોકે, ઇન્ટરપોલ તેની સાથે સંમત થયું ન હતું અને તેને પહેલી નજરે ચોક્સીએ ભારતીય એજન્સીઓ પર મૂકેલા આરોપોમાં તથ્ય જણાયું હતું. ચોક્સીનો આરોપ હતો કે, ભારતીય એજન્સીઓએ તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો. ઇન્ટરપોલનો નિર્ણય ભારત સરકાર, સીબીઆઇ, ઇડી માટે આંચકાજનક છે. રેડ કોર્નર નોટિસમાંથી મેહુલ ચોક્સીનું નામ હટાવવાનો અર્થ એ થયો કે, હવે તે એન્ટિગ્વા અને બાર્બુડાની બહાર મુસાફરી કરી શકશે. ચોક્સી અત્યારે ત્યાં નાગરિક છે.
ઇન્ટરપોલે આદેશમાં જણાવ્યું છે કે, “એન્ટિગ્વાથી અરજદારને અપહરણ કરીને ડોમિનિકા લઈ જવાની પૂરતી શક્યતા હતી અને તેનો અંતિમ હેતુ અરજદારને ભારતને લઇ જવાનો હતો.” ઇન્ટરપોલે વધુમાં જણાવ્યું હતું કે, “મેહુલ ચોક્સીને ભારત પરત લઇ જવામાં આવે તો તેની સામે નિષ્પક્ષ રીતે કેસ ચાલવાનું જોખમ ઊભું થઇ શકે તેમ છે.” સૂત્રોના જણાવ્યા મુજબ ચોક્સીએ ગત વર્ષે રેડ કોર્નર નોટિસની સમીક્ષા માટે ઇન્ટરપોલને રજૂઆત કરી હતી.