
પાર્કર રિવ્યુએ જાહેર કરેલા 2025ના રિપોર્ટ મુજબ FTSE 100 કંપનીઓમાંથી 95% અને FTSE 250 કંપનીઓમાંથી 82% કંપનીઓએ બોર્ડમાં ઓછામાં ઓછા એક વંશીય લઘુમતી ડિરેક્ટર રાખવાના સ્વૈચ્છિક લક્ષ્યને પૂર્ણ કર્યું છે. જે યુકેના બિઝનેસ નેતૃત્વની વંશીય વિવિધતાને સુધારવામાં એક દાયકાની પ્રગતિ દર્શાવે છે.
પાર્કર રિવ્યુએ 2024ની સ્વૈચ્છિક વસ્તી ગણતરીના પરિણામો જાહેર કર્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે 95 જેટલી FTSE 100 કંપનીઓએ લક્ષ્યને પૂર્ણ કર્યું છે અને જોવા મળેલા ઉચ્ચ સ્તરને ચાલુ રાખે છે. FTSE 250 કંપનીઓમાંથી 82% કંપનીઓએ 2024 માં ઓછામાં ઓછા એક વંશીય લઘુમતી ડિરેક્ટર રાખવાના લક્ષ્યને પૂર્ણ કર્યું છે, જે 2019 કરતા લગભગ ચાર ગણો વધારો દર્શાવે છે.
FTSE 100 કંપનીઓમાં વરિષ્ઠ મેનેજમેન્ટમાં હવે વંશીય લઘુમતીના લોકો 11% અને FTSE 250 કંપનીઓમાં 9% જેટલા છે. આ કંપનીઓએ 2027 સુધીમાં પ્રતિનિધિત્વ વધારવા માટે નવા લક્ષ્યો નક્કી કર્યા છે. યુકેની ટોચની 50 ખાનગી કંપનીઓમાંથી, 48% કંપનીઓએ 2027ના લક્ષ્ય પહેલાં ઓછામાં ઓછા એક વંશીય લઘુમતી ડિરેક્ટરની નિમણૂક કરવાના લક્ષ્યને પૂર્ણ કર્યાનો અહેવાલ આપ્યો છે.
પાર્કર રિવ્યુ કમિટીએ આ કવાયત ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ સાથે સંયુક્ત રીતે હાથ ધરી હતી અને EY દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી.
