ભારત અને બ્રિટને લંડનમાં યોજાયેલ વાર્ષિક યુકે-ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંવાદમાં પરસ્પર લાભદાયી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. બંને પક્ષોએ છેલ્લી સમીક્ષામાં 2030 રોડમેપ પર સારી પ્રગતિ કરી છે અને મુખ્ય ક્ષેત્રોમાં યુકે અને ભારતે વિશ્વના કેટલાક સૌથી મોટા પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કર્યું છે.
યુકેની મુલાકાતે આવેલા ભારતના ફોરેન સેક્રેટરી વિનય ક્વાત્રાએ શુક્રવારે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના પરમેનન્ટ અંડર સેક્રેટરી સર ફિલિપ બાર્ટન સાથે આ ચર્ચા કરી હતી. તેમની મીટિંગ પછી, FCDO એ જણાવ્યું હતું કે બંને નેતાઓએ ગયા વર્ષે જાન્યુઆરીમાં છેલ્લા વ્યૂહાત્મક સંવાદ પછી યુકે-ભારત 2030 રોડમેપ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને દ્વિપક્ષીય સહયોગના આગામી તબક્કા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
FCDOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સહયોગમાં વિશ્વની પ્રથમ મેલેરિયા રસી પર સહયોગ, ભારતની સફળ G20 પ્રેસિડેન્સી માટે કામ કરવું અને માઇગ્રેશન અને મોબીલીટી ભાગીદારી હેઠળ વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો માટે તકો વધારવાનો સમાવેશ થાય છે. આ વર્ષના સંવાદમાં પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટો કરવા અને સંરક્ષણ સહયોગ વધારવાની ચાલુ પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે.”
આ અગાઉ, લંડન સ્થિત ભારતના હાઈ કમિશને જણાવ્યું હતું કે ‘’ક્વાત્રાએ યુકેના મિનિસ્ટર ફોર ડીફેન્સ પ્રોકરમેન્ટ જેમ્સ કાર્ટલિજ સાથે પણ ફળદાયી બેઠક કરી ભારત-યુકે સંરક્ષણ ક્ષમતા સહકાર પહેલ અને ભાવિ સહયોગ માટેના રસ્તાઓ અંગે ચર્ચા કરી હતી.’’
લોર્ડ તારિક અહમદે જણાવ્યું હતું કે ‘’ભારત સાથેના સહયોગને વધુ ગાઢ બનાવવા માટે યુકેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે લંડનમાં ભારતીય ફોરેન સેક્રેટરી ક્વાત્રા સાથે બેઠકનું આયોજન કરતા મને આનંદ થાય છે. હું વેપાર, સંરક્ષણ, આબોહવા અને આરોગ્ય પર સાથે મળીને કામ કરીને અમારા સંબંધોને મજબૂત કરવા માટે આતુર છું.”
આ અઠવાડિયે યુકે-ભારત વ્યૂહાત્મક સંવાદના ભાગરૂપે, શ્રી ક્વાત્રાએ યુકે હોમ ઓફિસ મિનિસ્ટર મેથ્યુ રાયક્રોફ્ટ સાથે વાટાઘાટો સહિત શ્રેણીબદ્ધ ક્રોસ-ડિપાર્ટમેન્ટ બેઠકો યોજી હતી, જેમાં ગેરકાયદેસર માઇગ્રેશનને કાબૂમાં રાખીને કાનૂની સ્થળાંતરને સરળ બનાવવાની રીતો આવરી લેવામાં આવી હતી.
યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સાથેની બેઠક દરમિયાન વરિષ્ઠ અધિકારીઓએ દ્વિપક્ષીય સંબંધોના મુખ્ય ક્ષેત્રો તેમજ વ્યાપક ભૌગોલિક રાજકીય સુરક્ષા લેન્ડસ્કેપ પર ચર્ચા કરી હતી.