યુકેની સિરિયસ ફ્રોડ ઑફિસ (એસએફઓ)એ £50 મિલિયનના બ્રિટીશ મોર્ગેજ કૌભાંડમાં ભૂમિકા બદલ દોષિત ઠરેલા નિસાર અફઝલના ભૂતપૂર્વ વોન્ટેડ ભાગેડુ ભાગીદારના સેફ લોકરમાંથી ગળાના હાર, સોના, ચાંદી અને ડાયમંડથી સજ્જ રોલેક્સ ઘડિયાળો સહિત કુલ 500,000ની સંપત્તિ જપ્ત કરી હતી.
એસ.એફ.ઓ.ના પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ એન્ડ ઇન્ટરનેશનલ આસીસ્ટન્સ ડિવીઝનના વડા લિઝ બેકરે જણાવ્યું હતું કે, “આ કેસ અમને લાંચ, ચીટ અને ચોરી કરતા લોકો સામે દરેક ઉપલબ્ધ સાધનનો ઉપયોગ કરવાના અમારા નિશ્ચયને મજબૂત બનાવે છે.”
ગયા વર્ષે એસએફઓ દ્વારા બર્મિંગહામમાં અફઝલ દ્વારા ખરીદેલી બે મિલકતોના વેચાણમાંથી £1.52 મિલિયન જપ્ત કર્યા બાદ અફઝલની સંપત્તિ પર નવી તરાપ છે. 2000ના દાયકાના મધ્યમાં તે બ્રિટનથી પાકિસ્તાન ભાગી ગયો હતો ત્યારબાદ તેની ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યું હતું. એસએફઓનો આરોપ છે કે તેને મોર્ગેજ લેન્ડર વિરુદ્ધ છેતરપિંડી કરવામાં સંડોવવામાં આવ્યો હતો, જેના માટે તેના ભાઇ, સાઘીર અફઝલને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 2011 માં 13 વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
સઘીર અફઝલને છ મહિનાની અંદર લગભગ £30 મિલિયનના જપ્તી ઓર્ડરને ચૂકવવામાં નિષ્ફળ જવા બદલ વધારાના 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. એસએફઓ સ્પેશ્યાલીસ્ટ પ્રોસિક્યુટીંગ ઓથોરીટી છે જે ગંભીર અથવા જટિલ છેતરપિંડી, લાંચ અને ભ્રષ્ટાચારના ઉચ્ચ સ્તરના ગુનાની તપાસ કરે છે. તેની ફોજદારી ન્યાય અધિનિયમ 1987 હેઠળ 1988માં તેની સ્થાપના કરવામાં આવી હતી.