સલમાન ખાનના રિયલિટી શો ‘બિગ બોસ 17’નું ટીઝર લોન્ચ થઇ ગયું છે. તેમાં સલમાન ખાન ટૂંકા વાળમાં જોવા મળી રહ્યો છે. આ શો 15 ઓક્ટોબરથી શરૂ થશે તેવું કહેવાય છે.
આ વખતની થીમ દિલ, દિમાગ અને દમ રાખવામાં આવી છે. કલર્સ ચેનલે ઇન્સ્ટાગ્રામ પર એનું ટીઝર પોસ્ટ કર્યું હતું. એ ટીઝરમાં સલમાન કહી રહ્યો છે કે ‘અત્યાર સુધી તમે બિગ બોસની માત્ર આંખો જોઈ છે. હવે જોશો તમે બિગ બોસના ત્રણ નવા અવતાર.’ સલમાન આ ટીઝરમાં ત્રણ અલગ-અલગ લુકમાં આવે છે અને દરેક લુકમાં દિલ, દિમાગ અને દમનો ઉલ્લેખ કરે છે. બાદમાં એ ટીઝરમાં સલમાન કહે છે કે ‘અત્યારે આટલું જ. પ્રોમો હુઆ ખતમ.’
કલર્સના આ ટીઝર પર ટિપ્પણી કરતાં સલમાને લખ્યું હતું કે, ‘આ વર્ષે ‘બિગ બોસ’માં દિલ, દિમાગ અને દમ જોવા મળશે જે દરેક માટે એકસમાન નહીં રહે. આ વખતની સીઝન નવી ઊંચાઈએ જવાની છે, કારણ કે, લોકોની લાગણીઓને તેમાં શોધવામાં આવશે. આ ઘરની ચાર દીવાલની અંદર દરેક વળાંક એક બોધપાઠ હશે અને દરેક ટાસ્ક એક કસોટી હશે.
દિલોના ધબકારા વધારતી, દિમાગની રણનીતિ અને જોશથી ભરેલી આ રાઇડ થ્રિલથી ભરેલી રહેશે.’
અગાઉ એવી પણ ચર્ચા હતી કે, આ વખતે બિગ બોસમાં સલમાન ખાન જોવા નહીં મળે. તેથી નવા હોસ્ટની શોધ કરવામાં આવી રહી છે. એવું કહેવાતું હતું કે, સલમાન ખાનની નવી ફિલ્મ ટાઈગર-3 દિવાળી સમયે રીલીઝ થશે. સલમાન ખાન પોતાનો સંપૂર્ણ સમય નવા પ્રોજેક્ટ પર આપવા ઇચ્છે છે. આ ઉપરાંત તેમની અન્ય ફિલ્મોનું શૂટિંગ પણ નવેમ્બરમાં શરૂ થવાનું છે. બિગ બોસ સિઝન 17ની શરૂઆતના અમુક એપિસોડ સલમાન હોસ્ટ કરી શકે એમ છે, પરંતુ બાકીના એપિસોડ માટે નિર્માતા અવઢવમાં હતા.