નેપાળની સુપ્રીમ કોર્ટે બુધવારે બિકીની કિલર તરીકે જાણીતા ચાર્લ્સ શોભરાજને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના પ્રવકતાના જણાવ્યા અનુસાર, 78 વર્ષના શોભરાજે નિર્ધારિત સમય કરતા જેલમાં વધુ સમય વિતાવ્યો હોવાથી તેને છોડી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાર્લ્સ શોભરાજ પર ૭૦ના દશકમાં ભારત, થાઈલેન્ડ, તુર્કી અને ઈરાનમાં ૨૦થી વધુ વ્યકિતઓની હત્યાનો આરોપ લાગ્યો હતો.બે અમેરિકી પર્યટકોની હત્યાનો દોષી ચાર્લ્સ શોભરાજ ૨૦૦૩ની સાલથી નેપાળની જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે તેને ૧૫ દિવસમાં દેશનિકાલ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
કહેવામાં આવે છે કે, શોભરાજને હિપ્પીઓથી નફરત હતી. દક્ષિણપૂર્વ એશિયામાં તેણે ૧૨થી વધુ પર્યટકોને પાણીમાં ડૂબાડી, ગળુ દબાવી, ચપ્પુ મારી અને સળગાવીને મારી નાખ્યા હતાં.
પોતાના લુક્સ અને પર્સનાલિટીને કારણે ખબરોમાં રહેલા શોભરાજનો જન્મ ૧૯૪૪માં વિયેતનામમાં થયો હતો. તેની માતા વિયેતનામની હતી, જ્યારે તેના પિતા ભારતીય મૂળના હતા. માતા-પિતાના ડિવોર્સ બાદ શોભરાજની દેખરેખ તેની માતા અને તેના ફ્રેંચ પિતાએ કરી હતી. તેને પોતાની જિંદગી એશિયા અને ફ્રાંસમાં વિતાવી હતી.