ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન ઇઝરાયેલને સમર્થન આપવા માટે મંગળવારે તેલ અવિવ પહોંચ્યા હતા. તેમણે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક અને જર્મનીના ચાન્સેલર પણ ઇઝરાયેલની મુલાકાત લઈ ચુક્યા છે. દરમિયાન હમાસે ઇઝરાયેલના બે બંધકોને મુક્ત કર્યા હતા. આતંકી સંગઠને 7 ઓક્ટોબરના હુમલાના કુલ 220 લોકોને બંધક બનાવ્યા હોવાનું માનવામાં આવે છે.
મેક્રોને ઈઝરાયેલના પ્રેસિડન્ટ ઈસાક હરઝોગ અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓ બેની ગેન્ત્ઝ અને યાએર લેપિડ સાથે પણ મુલાકાત કરી હતી. તેલ અવીવ પહોંચ્યા બાદ તરત જ મેક્રોને બેન ગુરિયન એરપોર્ટ પર એવા ઈઝરાયેલી-ફ્રાન્સીસી નાગરિકો સાથે મુલાકાત કરી હતી જેમણે પોમના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ ઉપરાંત તેઓ હમાસના બંધકોના પરિવારો સાથે પણ મુલાકાત કરી હતી. ઈમેન્યુઅલ મેક્રોનને એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, દુઃખના સમયમાં અમે ઈઝરાયલની સાથે ઉભા છીએ.
સાત ઓક્ટોબરે હમાસે કરેલા હુમલા બાદ હજુ પણ ફ્રાન્સના સાત નાગરિકો ગુમ છે. ઈઝરાયેલની સેનાનો દાવો છે કે, એક ફ્રાન્સીસી મહિલાનું હમાસના લડવૈયાઓએ અપહરણ કરી લીધુ છે. હવે ઈઝરાયેલની સેના ગાઝા વિસ્તારમાં હમાસના ઠેકાણાઓ પર સતત એર સ્ટ્રાઈક કરી રહી છે અને ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર છે. ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોઆવ ગેલેન્ટે કહ્યું કે, ઈઝરાયેલ ગાઝા પર જમીન, આકાશ અને સમુદ્રના રસ્તે ઘાતક હુમલાની તૈયારી કરી રહ્યું છે.