ભારત અને બ્રિટન વચ્ચેના સૂચિત મુક્ત વેપાર કરાર (FTA) બંને દેશો માટે ઉચ્ચ પ્રાથમિકતા છે અને આ કરાર માટે વાટાઘાટોનો આગામી રાઉન્ડ આગામી મહિને યોજાશે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું.
સ્ટીલ ઉદ્યોગની એક ઇવેન્ટમાં તેમણે કહ્યું હતું કે આ સમજૂતીમાં પ્રગતિ થઈ રહી છે અને તેના સારા પરિણામો મળશે. બ્રિટનમાં રાજકીય ગતિવિધિને કારણે થોડો અવરોધ ત્યાં સુધી તેમાં ઘણી જ ઝડપથી પ્રગતિ થઈ રહી હતી. સદનસીબે, હવે સ્થિર સરકાર છે. હું મારા યુકેના સમકક્ષના સંપર્કમાં છું. અમે સંભવતઃ ટૂંક સમયમાં રૂબરૂ મીટિંગ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમારી ટીમો પહેલેથી કાર્યરત છે. આવતા મહિને, વાટાઘાટોનો આગળનો રાઉન્ડ થવાનો છે.”
તેમણે કહ્યું કે કરાર માટે ઉદ્યોગનો સહયોગ જરૂરી છે અને તે વાજબી, સમાન અને સંતુલિત FTA હોવી જોઈએ. એફટીએ માટે વાટાઘાટો પૂર્ણ કરવા માટે કોઈ કડક સમયમર્યાદા હોવી જોઈએ નહીં કારણ કે આવા કરારો પર કાળજીપૂર્વક વાટાઘાટો કરવી જોઈએ.
ગોયલે જણાવ્યું હતું કે “યુકે સાથે અમે UAE જેવી વ્યાપક ડીલ કરી રહ્યા છીએ.. હું તમને ખાતરી આપું છું કે તે બંને દેશોની ઉચ્ચ પ્રાથમિકતા છે. G20 ની બેઠકમાં તેનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.”
ભારત અને બ્રિટને દિવાળી (24 ઓક્ટોબર) સુધીમાં વાટાઘાટો પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે જાન્યુઆરીમાં FTA માટે વાટાઘાટો શરૂ કરી હતી, પરંતુ યુકેમાં રાજકીય ઘટનાક્રમને કારણે સમયમર્યાદા ચૂકી ગઈ હતી. કરારમાં 26 ચેપ્ટર્સ છે, તેમાં માલસામાન, સેવાઓ, રોકાણ અને બૌદ્ધિક સંપદા અધિકારોનો સમાવેશ થાય છે.
આ કરાર હેઠળ કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો અથવા નાબૂદીથી ભારતના કાપડ, લેધર અને જેમ્સ અને જ્વેલરી જેવી શ્રમપ્રધાન ક્ષેત્રોને યુકેના બજારમાં નિકાસ વધારવામાં મદદ મળશે. યુકે સ્કોચ વ્હિસ્કી અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં ડ્યુટીમાં રાહત માંગી રહ્યું છે.
જુલાઈ સુધી બંને દેશોના અધિકારીઓ વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ ચૂકી છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2020-21માં USD 13.2 બિલિયન હતો, જે 2021-22માં વધીને USD 17.5 બિલિયન થયો છે. 2021-22માં ભારતની નિકાસ USD 10.5 બિલિયન હતી, જ્યારે આયાત USD 7 બિલિયન હતી.
યુકેમાં ભારતની મુખ્ય નિકાસમાં તૈયાર વસ્ત્રો અને કાપડ, જેમ્સ અને જ્વેલરી, એન્જિનિયરિંગ ગૂડ્સ, પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ પ્રોડકટસ, ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ એન્ડ પાર્ટસ, મસાલા, ધાતુ ઉત્પાદનો, મશીનરી, ફાર્મા અને દરિયાઈ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
ભારતની મુખ્ય આયાતમાં કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરો, આયર્ન ઓર અને મેટલ સ્ક્રેપ્સ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, પ્રોફેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ, બિન-લોહ ધાતુઓ, રસાયણો અને મશીનરીનો સમાવેશ થાય છે.
યુકે ભારતમાં એક મુખ્ય રોકાણકાર છે. નવી દિલ્હીએ 2021-22માં USD 1.64 બિલિયનનું સીધું વિદેશી રોકાણ મેળવ્યું હતું. એપ્રિલ 2000 અને માર્ચ 2022 વચ્ચે આ આંકડો લગભગ USD 32 બિલિયન હતો. સર્વિસ સેક્ટરમાં, યુકે એ ભારતીય IT સેવાઓ માટે યુરોપના સૌથી મોટા બજારોમાંનું એક છે.