ભારત અને યુરોપના ચાર દેશોના સંગઠન EFTA વચ્ચે રવિવારે મુક્ત વેપાર સમજૂતી (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. આ કરાર હેઠળ યુરોપના આ દેશોએ ભારતમાં રોજગારીની 10 લાખ તકોનું સર્જન કરવા માટે આગામી 15 વર્ષમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાની કાનૂની પ્રતિબદ્ધતા આપી છે. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ) સભ્યોમાં આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ છે.
આ સમજૂતી માટે 2008માં વાટાઘાટો ચાલુ થઈ હતી અને 16 વર્ષ પછી તેના પર હસ્તાક્ષર થયા છે. નવેમ્બર 2013માં મંત્રણા અટકી પડી હતી. ઓક્ટોબર 2016માં વાટાઘાટો ફરી શરૂ થઈ હતી અને વાટાઘાટોના 21 રાઉન્ડ પછી આ સફળતા મળી છે.
એફટીએના ઇતિહાસમાં પ્રથમ વખત નિર્ધારિત રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે કાનૂની પ્રતિબદ્ધતા કરવામાં આવી છે, જેને ભારતની મોટી સફળતા માનવામાં આવે છે. કરાર હેઠળ ભારતની લગભગ તમામ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ પર EFTA દેશોમાં કોઇ જકાત લાગુ પડશે નહીં. આ ઉપરાંત ભારતની પ્રોસેસ્ડ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ પર ડ્યૂટી કન્સેશન પણ મળશે. ભારતના મુખ્ય વેપારી ભાગીદાર સ્વિટ્ઝર્લેન્ડે આ વર્ષે જાન્યુઆરીથી લગભગ તમામ ઔદ્યોગિક માલસામાન પરની ડ્યૂટી હટાવી દીધી છે.
બીજી તરફ ભારતે 82.7 ટકા પ્રોડક્ટ્સ કેટેગરી માટે ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી આપી છે. સોના માટે ભારતે ઇફેક્ટિવ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો નથી, પરંતુ બાઉન્ડ રેટને એક ટકા ઘટાડીને 39 ટકા કર્યો છે. ભારત ફાર્મા, મેડિકલ ડિવાઈસ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા અમુક PLI (ઉત્પાદન-લિંક્ડ ઈન્સેન્ટિવ) ક્ષેત્રો પર ડ્યૂટી કન્સેશન પણ આપશે. ડેરી, સોયા, કોલસો અને સંવેદનશીલ કૃષિ ઉત્પાદનો જેવા ક્ષેત્રોને ડ્યુટી છૂટ આપવામાં આવશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે આ કરારને ઐતિહાસિક ગણાવ્યા હતા, કારણ કે વિકસિત દેશો ધરાવતા કોઇ સંગઠન સાથે ભારતનો પ્રથમ આધુનિક વેપાર કરાર છે. ભારત અને EFTA વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2022-23માં 18.65 અબજ ડોલરનો રહ્યો હતો. ગયા નાણાકીય વર્ષમાં આ દેશો સાથે ભારતની વેપાર ખાધ 14.8 અબજ ડોલર રહી હતી.