
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર ભારત-મ્યાનમાર સરહદ પર લોકોની મુક્ત અવરજવર બંધ કરશે અને સંપૂર્ણ સરહદ પર વાડ બનાવશે, જેથી બાંગ્લાદેશ સાથેની દેશની સરહદની જેમ આ સીમાને પણ સુરક્ષિત બનાવી શકાય.
ગુવાહાટીમાં પાંચ નવી રચાયેલી આસામ પોલીસ કમાન્ડો બટાલિયનની પ્રથમ બેચની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરતી વખતે ગૃહપ્રધાને આ જાહેરાત કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણય કર્યો છે કે ભારત-મ્યાનમાર સરહદને કાંટાળી વાડ દ્વારા સુરક્ષિત કરાશે. ભારત-બાંગ્લાદેશ સરહદની જેમ આ સમગ્ર સરહદ પર કાંટાળી વાડ હશે. ભારત સરકાર મ્યાનમાર સાથે મુક્ત અવરજવરના કરાર પર પુનર્વિચાર કરી રહી છે. હવે ભારત સરકાર આ સુવિધા બંધ કરશે.
મુક્ત અવરજવરની વ્યવસ્થા હેઠળ સરહદની બંને બાજુ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશમાં 16 કિમી સુધી મુસાફરી કરવાની મંજૂરી મળતી હોય છે. અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સહિતના ચાર રાજ્યો મ્યાનમાર સાથે 1,643 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે.
અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે સરકાર સરહદના 300 કિલોમીટરના પટ્ટામાં વાડ લગાવવાની યોજના બનાવી રહી છે. ફેબ્રુઆરી 2021માં લશ્કરી બળવાને પગલે મ્યાનમારના 31,000થી વધુ લોકોએ મિઝોરમમાં આશ્રય લીધો છે. ઘણા લોકોએ મણિપુરમાં પણ આશ્રય લીધો હતો.
અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના કાયદા અને વ્યવસ્થામાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. કોંગ્રેસ પર હુમલો કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન લોકોને સરકારી નોકરીઓ મેળવવા માટે લાંચ આપવી પડી હતી, પરંતુ હવે ભાજપના શાસનમાં રોજગાર માટે એક પૈસો પણ ચૂકવવો પડતો નથી.
