ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર ઉમેશ યાદવ સાથે તેના મિત્રે જ વિશ્વાસઘાત કરીને રૂ.44 લાખની ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં જમીનનો પ્લોટ ખરીદવાના બહાને આ ઠગાઇ કરી હતી. યાદવની ફરિયાદને આધારે પોલીસે શૈલેષ ઠાકરે સામે કેસ દાખલ કર્યો છે. આ મિત્ર બેકારી હોવાથી ઉમેશ યાદવે તેને પોતાનો મેનેજર પણ બનાવ્યો હતો.
શૈલેષ ઠાકરે 37 વર્ષનો છે અને કોરાડીનો રહેવાસી છે. તે ઉમેશ યાદવનો મિત્ર હતો અને પછી મેનેજર બન્યો હતો. આ કેસમાં હજુ કોઇ ધરપકડ થઈ નથી. ઉમેશ યાદવની ભારતીય ક્રિકેટમાં પસંદગી થઈ તે પછી તેને 15 જુલાઈ, 2014ના રોજ તેના મિત્ર ઠાકરેને તેના મેનેજર તરીકે નિયુક્ત કર્યો હતો. તે સમયે ઠાકરે બેરોજગાર હતો.
FIRને ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું કે ઠાકરેએ સમય જતાં યાદવનો વિશ્વાસ કેળવ્યો હતો અને ઉમેશ યાદવની તમામ નાણાકીય બાબતોને સંભાળવાનું શરૂ કર્યું હતું. તે યાદવનું બેંક ખાતું, આવકવેરા અને અન્ય નાણાકીય કાર્યોને સંભાળતો હતો. ઉમેશ યાદવ નાગપુરમાં જમીન ખરીદવા માગતો હતો. ઠાકરેએ એક ઉજ્જડ વિસ્તારમાં એક પ્લોટ પસંદ કર્યો હતો અને ઉમેશ યાદવ પાસેથી રૂ.44 લાખ લીધા હતા. જોકે પ્લોટ ઉમેશ યાદવની જગ્યાએ પોતાના નામ ખરીદ્યો હતો. ઉમેશ યાદવે આ ફ્રોડની ખબર પડી ત્યારે તેને પોતાના નામે પ્લોટ કરવાનું કહ્યું હતું, પરંતુ મિત્રે ઇન્કાર કર્યો હતો. તેને પૈસા પાછા આપવાનો પણ ઇન્કાર કર્યો હતો.