ફ્રાન્સના પબ્લિક રેડિયો RFIએ બ્રિટનના મહારાણી એલિઝાબેથ અને બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડી પેલે સહિત સંખ્યાબંધ હસ્તીને જીવતે-જીવ શ્રદ્ધાંજલી આપી દીધી હતી. જોકે સોમવારે આ ભૂલ બદલ માફી માગી હતી અને તેને ટેકનિકલ સમસ્યા ગણાવી હતી.
RFIએ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેની, અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જિમી કાર્ટર, ક્યુબાના નેતા રૌલ કાસ્ટ્રો, અભિનેતા ક્લિન્ટ ઇસ્ટવૂડ, સોફી લોરેન અને બ્રિગિટી બાર્ડોટને પણ મૃત જાહેર કરી દીધાં હતાં. આ તમામ હસ્તીઓ હાલમાં 80થી 90 વર્ષની છે.
ફ્રાન્સના બિઝનેસ માંઘાતા બર્નાર્ડ ટેપી (77 વર્ષ)ને પણ મૃત્યું પામેલાં વ્યક્તિની યાદીમાં સામેલ કરાયાં હતાં. બીજા મીડિયા ગ્રૂપ્સ પણ અગાઉ બે વખત ટેપીને ભૂલથી શ્રદ્ધાંજલી આપી ચુક્યા છે.
બ્રોડકાસ્ટિંગ કંપનીએ જણાવ્યું હતું કે અમે સંબંધિત લોકો તથા અમારા કાર્યક્રમ સાંભળતા અને વિશ્વાસ રાખતા તમામ લોકોની માફી માગીએ છીએ. RFIના ટ્વીટર એકાઉન્ટમાં જણાવાયું હતું કે અમે આ ભૂલમાં સુધારો કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.