ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ દેશમાં ઇસ્લામિક કટ્ટરવાદને ડામવા માટે મંગળવારે જંગી બહુમતીથી એક બિલ પસાર કર્યું હતું. આ બિલમાં મુખ્યત્વે શહેર અને ગામોમાં ઈસ્લામિક કટ્ટરવાદના ફેલાવાને રોકવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી ઇસ્લામિક કટ્ટરવાદથી ફાન્સને રક્ષણ આપવા માટે અને ફ્રાન્સના મૂલ્યનો પ્રોત્સાહન આપવા માટે મસ્જિદો, મુખ્યધારા સિવાયની શિક્ષણ સંસ્થાનો અને સ્પોર્ટસ ક્લબ પરની દેખરેખમાં વધારો કરાશે.
ફ્રાંસની સરકાર ઈસ્લામિક કટ્ટરવાદને રાષ્ટ્રીય એકતા સામે ખતરો માને છે. આ બિલમાં કોઈ ખાસ ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં જબરદસ્તીથી લગ્ન અને વર્જિનિટિ ટેસ્ટ જેવી પ્રથાઓ સામે કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિ ઓનલાઈન હિંસાને પ્રાત્સાહન આપતો જણાશે તો સરકાર તેની સાથે સખ્તાઈ વર્તશે. ધાર્મિક સંગઠનોનું મોનિટરિંગ સખ્ત કરવા અને મુખ્યધારાની શાળાઓથી બહારના વિદ્યાર્થીઓને શિક્ષણ આપનારા સંસ્થાનો પર સખ્ત નિયમો અને શરતો લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તુર્કી, કતાર અને સાઉદી અરેબિયાથી મસ્જિદોને થતું ફંડિંગ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ધાર્મિક સંગઠનોને વિદેશથી મળતા ડોનેશનની જાણકારી અને પોતાના બેંક ખાતાને પ્રમાણિત કરવા કહેવામાં આવ્યું છે.
સંસદના નીચા ગૃહમાં આ બિલના સમર્થનમાં 347 સાંસદોએ મત આપ્યો હતો, જ્યારે વિપક્ષમાં 151 મત પડ્યા હતા. મતદાન દરમિયાન 65 સભ્યો ગેરહાજર રહ્યાં. હવે આ બિલ સેનેટમાં રજુ થશે. ફ્રાંસમાં આ બિલનો વિરોધ પણ શરૂ થઈ ચુક્યો છે.
ફ્રાંસમાં મુસ્લિમની વસતી આશરે પાંચ મિલિયન હોવાનો અંદાજ છે. તાજેતરમાં દેશને ઘણાં ઈસ્લામી આતંકવાદી હુમલાઓ અને ચરમપંથી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. ફ્રાંસમાં આગામી વર્ષે પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી થવાની છે. તેને જોઈએ માનવામાં આવે છે કે ચુંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા એક મહત્વનો મુદ્દો હશે. આ બિલને કેટલાંક ડાબેરી નેતાઓએ ઇસ્લામ પરનો હુમલો ગણાવ્યો હતો.