કતારમાં રમાઇ રહેલા ફિફા ફૂટબોલ વર્લ્ડકપમાં રવિવારે છેલ્લી ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ફ્રાન્સે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેચમાં 12 મિનિટ બાકી હતી ત્યારે ઓલિવીયર ગીરોડના હેડરની મદદથી ફ્રાન્સે વર્લ્ડ કપ ટાઇટલ જાળવી રાખવાની આશા જીવંત બનાવી હતી.
મેચની 17મી મિનિટમાં ઓરેલિયન શોમેનીએ ગોલ નોંધાવીને ઇંગ્લેન્ડ સામે ફ્રાન્સને 1-0થી લીડ અપાવી હતી, પરંતુ ઇંગ્લેન્ડના સુકાની હેરી કેને 54મી મિનિટે પેનલ્ટી ગોલ સાથે બરાબરી કરી હતી.
બીજા હાફની શરૂઆત સાથે જ ઈંગ્લેન્ડે પોતાની આક્રમક રમત દેખાડી હતી. તેનો ફાયદો 54મી મિનિટે જ મળ્યો. આ દરમિયાન ફ્રાન્સના ફાઉલ પર ઈંગ્લેન્ડને પેનલ્ટી મળી હતી. જેમાં ઇંગ્લિશ કેપ્ટન હેરી કેને તક ગુમાવી ન હતી અને ગોલ કરીને મેચને 1-1થી બરાબર કરી દીધી હતી.
આ ગોલ સાથે હેરી કેન ઈંગ્લેન્ડ માટે 53 ગોલ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ સ્કોરર બની ગયો છે. આ પહેલા વેઈન રૂનીએ પણ આટલા જ ગોલ કર્યા હતા. પરંતુ ઓલિવિયર ગિરાડે હેરી કેનની મહેનતને બગાડી નાખી હતી. ગિરાડે 78મી મિનિટે ગ્રીઝમેનના પાસ પર ગોલ કરીને ફ્રાન્સને ફરીથી 2-1થી સરસાઈ અપાવી હતી. ફ્રાન્સે વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડને હરાવ્યું છે. આ પહેલા 1966 અને 1982માં ઈંગ્લેન્ડે ફ્રાંસને હરાવ્યું હતું. ફ્રાન્સ બુધવારે ફાઇનલમાં સ્થાન માટે મોરોક્કો સામે ટકરાશે. આફ્રિકન દેશ મોરોક્કોએ શનિવારે અગાઉની ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને 1-0થી હરાવ્યું હતું અને સેમીફાઇનલમાં સ્થાન હાંસલ કર્યું હતું.
સેમિફાઇનલનો કાર્યક્રમ
13 ડિસેમ્બર – ક્રોએશિયા વિરુદ્ધ આર્જેન્ટિના
14 ડિસેમ્બર – મોરોક્કો વિરુદ્ધ ફ્રાન્સ