ફ્રાન્સમાં કોરોના વેક્સિન ન લીધેલા લોકો પર આકરા નિયંત્રણો લાદવાની સરકારની હિલચાલનો વિરોધ કરવા માટે દેશભરના શહેરોમાં 50,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જોકે દેખાવકારોની સંખ્યા અગાઉના વીકએન્ડની સરખામણીમાં અડધી હોવાનો ગૃહ મંત્રાલયે દાવો કર્યો હતો.
રાજધાની પેરિસમાં એફિલ ટાવરની નજીક સૌથી વધુ સંખ્યામાં લોકોએ વિરોધી દેખાવો કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનનું એલાન યુરોપિયન યુનિયનના પ્રેસિડન્ટના ઉમેદવાર ફ્લોરિયન ફિલિપોની વિરુદ્ધમાં ગણાતા એક જમણેરી સંગઠનને આપ્યું હતું. અગાઉ 2018-19માં પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની કથિત ધનિકો તરફી નીતિઓની વિરોધમાં ‘યલો વેસ્ટ’ દેખાવો થયા હતા.
ફ્રાન્સના બોર્ડેક્સ, ટોલાઉસ અને લિલી જેવા મુખ્ય શહેરોમાં લોકોએ રેલી પણ યોજી હતી. ટોળાએ ‘નો ટુ વેક્સિન’ અને ‘ફ્રીડમ ફોર જોકોવિક’ ના નારા પોકાર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે વેક્સિનના મુદ્દે ટેનિસના નંબર વન સ્ટાર નોવાક જોકોવિક અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો હતો. દેખાવકાર પાસ્કલે જણાવ્યું હતું કે નોવાક હાલમાં અમારા માટે મુખ્ય નેતા સમાન છે.
પેરિસમાં દેખાવકારોએ રાષ્ટ્રધ્વજ અને પ્રાદેશિક ધ્વજ હાથમાં લઇને વેક્સિનનો વિરોધ કર્યો હતો. દેખાવકાર ક્લેરે જણાવ્યું હતું કે આ નાઝીવાદ છે, આ રંગભેદ છે. હું વેક્સિનની વિરુદ્ધમાં છું. ગયા સપ્તાહે પણ આશરે 105,200 લોકોએ દેખાવો કર્યા હતા.
આ મહિનાના પ્રારંભમાં પ્રેસિડન્ટ મેક્રોનના વેક્સિન ન લીધેલા લોકો પર આકરા નિયંત્રણો લાદવાના વિવાદાસ્પદ નિવેદન પછી દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. મેક્રોને અનવેક્સિનેટેડ લોકોનું સામાજિક જીવન મુશ્કેલ બનાવાની વ્યૂહરચના જારી કરી હતી. આ વ્યૂહરચનાના ભાગરૂપે પ્રથમ ડોઝના સાત મહિનામાં બૂસ્ટર ન લેનારા સેંકડો લોકોના હેલ્થ પાસ રદ કરાયા હતા. બાર્સ, રેસ્ટોરા, સિનેમા અને ટ્રાવેલ માટે આ પાસ જરૂરી છે. સરકાર હવે હેલ્થ પાસને વેક્સિન પાસમાં કન્વર્ટ કરવા માગે છે. હાલમાં સંસદમાં આ ખરડા અંગે ચર્ચા ચાલુ છે. તેનાથી વેક્સિનેશનનું પ્રૂફ ફરજિયાત બની શકે છે. શુક્રવારે ફ્રાન્સમાં કોરોનાના 330,000 નવા કેસ નોંધાયા હતા.