એપલની મુખ્ય સપ્લાયર તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટ ફોક્સકોન આગામી એપ્રિલ સુધીમાં બેંગલુરુમાં કંપનીની દેવનાહલ્લી પ્લાન્ટ ખાતે આઇફોનનું ઉત્પાદન શરૂ કરશે. ફોક્સકોન ત્રણ તબક્કામાં આ પ્રોજેક્ટ પૂરો કરશે અને આ પૂરો થયા પછી કંપની દર વર્ષે 20 મિલિયનથી વધુ આઇફોન બનાવશે. આ પ્રોજેક્ટ્સ આશરે રૂ.13,600 કરોડનો છે.
બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો કે ફોક્સકોને રાજ્યમાં નવી ફેક્ટરી પર $700m (£566m)નું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગુરુવારે કર્ણાટક સરકારે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ $1.59 બિલિયનનો છે. કંપની 2017થી પડોશી રાજ્ય તમિલનાડુમાં એક ફેક્ટરીમાં આઇફોનના જૂના વર્ઝન બનાવી રહી છે.
કંપનીના પ્લાન્ટ માટે કર્ણાટક સરકાર જુલાઈ સુધી જમીનની ફાળવણી કરશે.
લાર્જ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર એમ બી પાટીલે કહ્યું કે સરકારે 13 હજાર 600 કરોડના પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટથી 50 હજાર લોકોને રોજગારી મળશે. ફોક્સકોનને 300 એકર જમીન સરકાર 1 જુલાઈ સુધી આપી દેશે.
રાજ્ય સરકારે ફોક્સકોન પાસેથી કર્મચારીઓના સ્કિલ સેટની જાણકારી માગી છે જેથી કરીને રાજ્યના લોકોને ટ્રેનિંગ આપી કંપનીમાં કામ કરવા માટે તૈયાર કરી શકાય.
ટાટાએ ભારતમાં વિસ્ટ્રોનની ઉત્પાદન સુવિધાઓ હસ્તગત કરી છે અને કંપની દેશમાં નવા આઇફોન મોડલનું ઉત્પાદન કરશે. ટાટા જૂથે બેંગલુરુ પાસેના તેના નરસપુરા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં એપલના આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું છે. હાલમાં જ એપલના સીઈઓ ટિમ કુક ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને મળ્યા હતા.