ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ આવા ઐતિહાસિક, રેકોર્ડબ્રેક વિજય સાથે ભારત પુરો કરશે એવી તો હજી મંગળવારે સવારે પણ બહુ થોડા લોકોને કલ્પના હશે, પણ સાંજે તો ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટ ચાહકો ભવ્યતમ સફળતાની ઉજવણીના આનંદમાં ડૂબી ગયા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો કારમો પરાજય થયો હતો અને ટીમ ઈન્ડિયાએ 36 રનમાં ઓલઆઉટનો સૌથી ઓછા ટેસ્ટ સ્કોરનો નામોશીભર્યો રેકોર્ડ પણ કર્યો હતો, એ બેકગ્રાઉન્ડમાં ચાર ટેસ્ટ મેચની આ સીરીઝ ભારતે 2-1થી જીતી લઈ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત બીજીવાર જાળવી રાખી ટ્રોફી વિજયની હેટટ્રિક કરી હતી.
બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને પહેલી ઈનિંગમાં 369 તથા બીજી ઈનિંગમાં 294 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે પહેલી ઈનિંગમાં 336 અને બીજી ઈનિંગમાં 7 વિકેટે 328 રન કરી મેચના અંતિમ દિવસે, ત્રણ ઓવર બાકી હતી ત્યારે જબરજસ્ત વિજય મેળવ્યો હતો. આ વિજયમાં છેલ્લા તબક્કે નિર્ણાયક બેટિંગ કરી અણનમ 89 રન કરનાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મેન ઓફ ધી મેચ તથા ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને મેન ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો. પંતે ભારતના વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી નાની વયે, સૌથી ઓછી ટેસ્ટ મેચમાં એક હજાર રન કરવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
આ ટેસ્ટના વિજયમાં જો કે પહેલી ઈનિંગમાં શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે સાતમી વિકેટની ભાગીદારીમાં 123 રન કરી ઓસ્ટ્રેલિયાને સાવ નજીવી, 33 રનની જ લીડ લેવા દીધી હતી તે એકંદરે મહત્ત્વની બની રહી હતી. શાર્દુલ ઠાકુરે 67 અને વોશિંગ્ટન સુંદરે 62 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગના 369માં લબુશેનના 108 અને ટીમ પેઈનના 50 રન મુખ્ય હતા, તો શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં સ્મિથના 55 અને ડેવિડ વોર્નરના 48 રન મુખ્ય હતા, તો ભારત તરફથી મોહમ્મદ સિરાજે પાંચ તથા શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ ઝડપી હતી.
છેલ્લા દિવસે ભારતે વિના વિકેટે ચાર રનથી પોતાની બીજી ઈનિંગ આગળ ધપાવી હતી. પીઢ ઓપનર રોહિત શર્માએ નિરાશ કર્યા હતા, પણ શુભમાન ગિલે શાનદાર બેટિંગ સાથે 146 બોલમાં 91 રન કર્યા હતા. તે કમનસીબે સદી ચૂકી ગયો હતો. એ પછી પૂજારાએ પણ 56 રનની સાહસભરી ઈનિંગ રમી ભારતના વિજયના પાયામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. એ પછી ઋષભ પંતે ડ્રીમ ઈનિંગ રમી 138 બોલમાં અણનમ રહી 89 રન કર્યા હતા.
ભારતે આ પહેલાં 2016-17માં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી ઉપર 2-1થી હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા 32 વર્ષ પછી બ્રિસ્બેનમાં ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં 1988માં વેસ્ટ ઇન્ડીઝે ત્યાં વિજય મેળવ્યો હતો. એ પછી 24 ટેસ્ટમાં અપરાજિત રહ્યું હતું. બ્રિસ્બેનમાં ભારતનો 328 રનનો ચોથી ઈનિંગનો આ સૌથી સફળ રનચેઝ છે. પહેલી ટેસ્ટમાં પરાજય પછી સીરીઝનો વિજય પણ ભારત માટે પાંચમો પ્રસંગ છે. અગાઉ તે 1972માં ઈંગ્લેન્ડ સામે, 2000-01માં ઓસ્ટ્રેલિયા સામે, 2015માં શ્રીલંકા સામે અને પછી 2016-17માં ઓસ્ટ્રેલિયા સામે આ રીતે 2-1થી સીરીઝમાં વિજેતા રહ્યું હતું.
મંગળવારે ચોથી ઈનિંગમાં અડધી સદી કરવાની સાથે સાથે પૂજારાએ અદમ્ય સાહસ દર્શાવ્યું હતું. તેને ચારથી વધુ વખત બોલ વાગ્યો હતો, જેમાંથી બે વાર તો માથા ઉપર, અલબત હેલમેટમાં બોલ વાગ્યો હતો, તો એકવાર છાતી ઉપર તેમજ એકવાર હાથમાં, કાંડા ઉપર કે આંગળાઓ ઉપર બોલ વાગ્યો ત્યારે તો તેના હાથમાંથી બેટ પણ છટકી ગયું હતું. છતાં તેણે ઓસ્ટ્રેલિયન બોલર્સનો જબરજસ્ત સામનો કરી 211 બોલ રમી સાત ચોગ્ગા સાથે 56 રન કર્યા હતા