ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન સીરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ નિર્ધારિત કાર્યક્રમ મુજબ બ્રિસ્બેનમાં જ રમાશે. આ બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નિક હોકલીએ સોમવારે એક નિવેદનમાં સમર્થન આપ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ એ હકિકત સ્વિકારી હતી કે, ભારતીય ટીમ મંગળવારે સીડનીથી રવાના થઈ બ્રિસ્બેન જશે. બ્રિસ્બેનમાં પ્રવર્તમાન કોરોના વાઈરસ સંબંધી આકરા નિયંત્રણોના કારણે મેચના સ્થળ અંગે કે પછી સંભવત્ તે રમાશે કે તેમ એ બાબતે જ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા હતા.
જો કે, ક્વિન્સલેન્ડ સરકારે સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રેક્ષકોના પ્રવેશની મર્યાદા 50 ટકા કરી નાખી હતી. તે ઉપરાંત, પ્રેક્ષકો સ્ટેડિયમની અંદર હરતા ફરતા હોય ત્યારે તેમના માટે માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. જો કે, પોતાની જગ્યાએ બેઠા હોય, ત્યારે માસ્ક ફરજિયાત નહીં રહે.
અગાઉ, ક્વિન્સલેન્ડ સરકારના કડક નિયંત્રણોના સંદર્ભમાં ભારતીય ખેલાડીઓની માંગણીના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે રજૂઆત કરી હતી કે, ટીમના ખેલાડીઓ એક બીજાની સાથે મીટિંગમાં હોય ત્યારે તેમજ હોટેલની અંદર બધા સાથે ભોજન લેતા હોય ત્યારે માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાવી જોઈએ.