ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેનેડિયન સત્તાવાળાઓએ શનિવાર, 11 મેએ ચોથા ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. ભારત અને કેનેડાના સંબંધોને અસર કરનારા આ હાઇ-પ્રોફાઇલ હત્યા કેસમાં ગયા સપ્તાહે કેનેડા પોલીસે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી.
કેનેડાના બ્રેમ્પટન અને એબોટ્સફોર્ડ વિસ્તારના રહેવાસી 22 વર્ષીય અમનદીપ સિંહ સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 45 વર્ષીય નિજ્જરની 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાની બહાર હત્યા કરાઈ હતી.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT)એ જણાવ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભૂમિકા બદલ 11 મેના રોજ અમનદીપ સિંહની ધરપકડ કરાઇ હતી. હથિયારોના એક કેસમાં તે પહેલાથી જ પીલ પ્રાદેશિક પોલીસની કસ્ટડીમાં હતો.
તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલી તપાસ અને કોર્ટ પ્રક્રિયાઓને કારણે તે આ ધરપકડની વધુ વિગતો જાહેર કરશે નહીં.
IHIT તપાસકર્તાઓએ 3 મેના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. તેમાં કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22) અને કરણપ્રીત સિંહ (28)નો સમાવેશ થાય છે.આ ત્રણેય વ્યક્તિઓ એડમોન્ટનમાં રહેતા ભારતીય નાગરિકો છે અને તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની “સંભવિત” સંડોવણીના આરોપો મૂકતા ભારત અને કેનેડા વચ્ચેના વણસ્યાં હતાં. ભારતે ટ્રુડોના આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” ગણાવીને ફગાવી દીધા હતાં.
નિજ્જર ખાલિસ્તાની અલગતાવાદી હતો અને તે ભારતમાં વિવિધ આતંકવાદી આરોપોમાં વોન્ટેડ હતો.