પંજાબના ભટિંડામાં 12 એપ્રિલની વહેલી સવારે મિલિટરી સ્ટેશનની અંદર થયેલા ફાયરિંગમાં ચાર સૈનિકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનામાં આતંકવાદી હુમલાની શક્યતા નકારી કાઢી હતી. ભટિંડા મિલિટ્રી સ્ટેશન ફાયરિંગની ઘટના પર પંજાબના પ્રધાન અનમોલ ગગન માને કહ્યું હતું કે, આ એક આંતરિક લડાઈનો મામલો છે. મેં એસએસપી સાથે પણ વાત કરી છે અને હાલ તપાસ ચાલી રહી છે. ફાયરિંગની ઘટના ભટિંડા છાવણીની અંદર આવેલા એક આર્ટિલરી યુનિટની ઓફિસર્સ મેસ પાસે બની હતી.
પોલીસે ફાયરિંગ કરનારા એક શંકાસ્પદ જવાનની ધરપકડ કરી હતી. આ દરમિયાન સૂત્રોના હવાલાથી એવા રિપોર્ટ પણ સામે આવ્યા હતા કે સેનાના બે જવાન પર પણ શંકાની સોય છે. મહત્વની વાત એ પણ છે કે, બે દિવસ પહેલાં જ ઈન્સાસ રાયફળ ગાયબ થવાના સંબંધમાં તપાસ કરવામાં આવી રહી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મિલિટ્રી સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું હતી. ભટિંડા કેન્ટમાં એન્ટ્રીના તમામ ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફાયરિંગની આ ઘટના વહેલી સવારે 4.35 વાગ્યાની આસપાસ બની હતી.
બનાવની વિગતો એવી છે કે, ભટિંડા મિલિટ્રી સ્ટેશનની અંદર આજે વહેલી સવારે 4.35 વાગે ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગની આ ઘટનામાં ચાર જવાનોના મોત થયા હતા. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમોને પણ એક્ટિવ કરી દેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો અને સીલ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.