ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું વય સંબંધિત બિમારીઓને કારણે રવિવાર, બે એપ્રિલે તેમના જામનગર ખાતેના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ 88 વર્ષના હતા. તેઓ જામનગરમાં તેમના નાના ભાઈ જહાંગીર દુરાની સાથે રહેતા હતા.
ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં તેમના મુખ્ય યોગદાનને યાદ કરતાં વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સલીમ દુરાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા. તેમણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મેદાન પર અને મેદાનની બહાર તે પોતાની સ્ટાઈલ માટે જાણીતા હતા. તેમના નિધનથી દુઃખી થયો છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.
દુરાનીએ 1960ની શરૂઆતમાં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે તેમની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 1973માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. દુરાનીએ ભારત માટે 29 ટેસ્ટ રમી હતી અને 75 વિકેટો લીધી હતી, જેમાં 177 રનમાં 10 વિકેટના શ્રેષ્ઠ બોલિંગ દેખાવનો સમાવેશ થાય છે. તેમણે 1962માં વેસ્ટ ઈન્ડિઝ સામે 104ના સર્વોચ્ચ સ્કોર સાથે કુલ 1,202 રન બનાવ્યા હતા.
આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર 1961-62માં ઈંગ્લેન્ડ સામે ભારતની શ્રેણી જીતમાં તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતા બન્યા હતા. તેમણે કોલકાતા અને ચેન્નાઈ ટેસ્ટમાં આઠ અને દસ વિકેટ ઝડપીને ભારતને સિરિઝમાં 2-0 વિજય અપાવ્યો હતો. પઠાણ વંશ સાથે અફઘાન માતાપિતાના ઘેર જન્મેલા દુરાનીએ 1973ની ફિલ્મ ચરિત્રમાં જાણીતી અભિનેત્રી પ્રવીણ બાબી સાથે અભિનય કરીને બોલિવૂડમાં પણ ઝંપલાવ્યું હતું.