પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આગામી 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. હાલ તેઓ વિદેશમાં દેશવટો ભોગવી રહ્યા છે. નવાઝ શરીફના પક્ષના હોદ્દેદારોએ તેમના પાકિસ્તાન પરત ફરવાની તમામ વ્યવસ્થા કરી લીધી છે. ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. વતન પરત ફર્યા બાદ નવાઝ મિનાર-એ-પાકિસ્તાનમાં જાહેર જનતાને સંબોધિત કરશે.
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરીફ તેમની પાર્ટીના સભ્યો અને પત્રકારો સાથે 21 ઓક્ટોબરે એક વિશેષ વિમાનમાં દુબઈથી પાકિસ્તાન જવા રવાના થશે. લાહોર જતા પહેલા વિમાન ઈસ્લામાબાદમાં ઉતરશે અને અહીં શરીફ મિનાર-એ-પાકિસ્તાનમાં તેઓ લોકોને સંબોધિત કરશે. આ પહેલા શરીફ ઉમરાહ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. તેઓ અહીં એક સપ્તાહ રોકાશે અને પછી 18 ઓક્ટોબરે દુબઈ પહોંચશે. દુબઇથી પાકિસ્તાનની તેમની ફ્લાઇટને ‘ઉમ્મીદ-એ-પાકિસ્તાન’ નામ આપવામાં આવ્યું છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગના સાંસદ ઇશાક ડાર અને ઇરફાન સિદ્ધીકીએ નવાઝ શરીફના ઉમરાહ માટે સાઉદી અરબના પ્રવાસ કાર્યક્રમની પુષ્ટિ કરી હતી. જો કે વતન પરત ફરતાની સાથે તેમની ધરપકડ થવાના સંજોગો અંગે તેમણે જણાવ્યું હતું કે અદાલત પાસેથી ટૂંકાગાળાના જામીન મેળવવામાં આવશે.