(ANI Photo)

લોકસભાની ચૂંટણી વચ્ચે કર્ણાટકમાં જેડી-એસ સાંસદ પ્રજ્વલ રેવન્નાને સંડોવતા સેક્સ વીડિયો સ્કેન્ડલની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ શનિવારે તેમના પિતા અને જેડી-એસ ધારાસભ્ય એચડી રેવન્નાને કસ્ટડીમાં લીધાં હતાં. પીડિતાના અપહરણના કેસમાં આગોતરા જામીનની અરજી બેંગલુરુની પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​કોર્ટે ફગાવી દીધા બાદ એચડી રેવન્નાને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યા પછી પ્રજ્વલ રેવન્ના વિદેશી ભાગી ગયો હોવાનું માનવામાં આવી છે, બીજી તરફ એસઆઇટીએ ગુમ થયેલી પીડિત મહિલાને શોધી કાઢી હતી.

એચડી રેવન્નાને તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના બેંગલુરુમાં આવેલા ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.પુત્ર પ્રજ્વલ રેવન્ના દ્વારા કથિત રીતે જાતીય શોષણનો ભોગ બનેલી  મહિલાના અપહરણ સંબંધિત કેસમાં કોર્ટે તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દેતાં જ SIT અધિકારીઓ ભૂતપૂર્વ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

અગાઉ શનિવારે એસઆઈટીએ આ અપહ્યુત મહિલાને એચડી રેવન્નાના અંગત મદદનીશ (પીએ) રાજશેકરના ફાર્મહાઉસમાંથી શોધી કાઢી હતી.

બીજી તરફ સીબીઆઇ પ્રજ્વલ રેવન્ના સામે બ્લૂ કોર્નર નોટિસ જારી કરે તેવી શક્યતા છે. સેક્સ સ્કેન્ડલની તપાસ કરી રહેલી એસઆઇટીએ આ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને માહિતી આપી હતી .સિદ્ધારમૈયાએ SIT અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જે દરમિયાન પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. SIT અધિકારીઓએ ખાતરી આપી છે કે એરપોર્ટ પરથી માહિતી મેળવતાની સાથે જ પ્રજ્વલની ધરપકડ કરશે અને આરોપીઓને પરત લાવશે.

LEAVE A REPLY