ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા અગાઉ એક મહત્ત્વપૂર્ણ નિવદેન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં શાસક પક્ષે છેલ્લા 10 વર્ષમાં પંજાબ અને પંજાબિયતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી અને પોતાના ધૃણાસ્પદ નિવેદનોથી પદની ગરિમા ઘટાડી છે. ડો. મનમોહન સિંઘે પંજાબમાં 1 જૂનના રોજ થનારા મતદાન પહેલા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાને રાજ્યના લોકોને પંજાબીમાં લખેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ પત્ર 28 મેનો છે જેને કોંગ્રેસે ગુરુવારે તેના એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કર્યો હતો. ડો. સિંઘે આ પત્રમાં લખ્યું છે કે, દિલ્હીની સરહદો પર મહિનાઓ સુધી રાહ જોતાં 750 ખેડૂતો શહીદ થઈ ગતા, જેમાંના મોટાભાગના પંજાબી હતા. જ્યારે લાઠીચાર્જ અને રબરની ગોળીઓથી તેમને સંતોષ ન થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપણા ખેડૂતોને ‘આંદોલન જીવી’ અને ‘પરજીવી’ કહીને તેમનું ગંભીર અપમાન કર્યું હતું.
તેમણે વધુમાં લખ્યું હતું કે, હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ચર્ચાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છું. મોદીજીએ ઘણા દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણ રીતે વિભાજનકારી છે. નરેન્દ્ર મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમણે પોતાના પદની ગરિમા તેમ જ વડાપ્રધાન પદની ગંભીરતાને ઘટાડી છે.

LEAVE A REPLY