ભારતની તપાસ એજન્સી ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ બુધવારે જેટ એરવેઝના ભૂતપૂર્વ પ્રમોટર નરેશ ગોયલ અને તેમના સહયોગીઓ સામે મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા હતા, ED દિલ્હી અને મુંબઈ સહિત અનેક શહેરોને આવરી લઇને આ કાર્યવાહી કરી હતી.
અગાઉ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શુક્રવારે ₹538 કરોડના કથિત બેંક છેતરપિંડીમાં જેટ એરવેઝના ચેરમેન, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ FIR નોંધી હતી. જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ, નરેશ ગોયલ, તેમની પત્ની અનીતા નરેશ ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા સરકારી અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓને FIRમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.
જેટ એરવેઝ એક સમયે ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન્સમાંની એક હતી અને એરલાઇનને દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી એરલાઇનનો દરજ્જો મળ્યો હતો. જોકે, દેવાના બોજને કારણે જેટ એરવેઝ 17 એપ્રિલ 2019ના રોજ ગ્રાઉન્ડ થઈ ગઈ હતી. ત્યારપછી, જૂન 2021માં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ બિડ જીત્યા પછી, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા એરલાઇનને હસ્તગત કરવામાં આવી.
આ કન્સોર્ટિયમ મુરારી લાલ જાલાન અને કાલરોક કેપિટલની સંયુક્ત કંપની છે. જાલાન દુબઈ સ્થિત ભારતીય મૂળના બિઝનેસમેન છે. જ્યારે કેલરોક કેપિટલ મેનેજમેન્ટ લિમિટેડ એ લંડન સ્થિત ગ્લોબલ ફર્મ છે જે ફાઇનાન્શિયલ એડવાઇઝરી અને વૈકલ્પિક એસેટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરે છે. તેના સ્થાપક ફ્લોરિયન ફ્રેચ છે.