ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજે રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
નામની ઘોષણા થયા પછી તરત જ સ્વરાજે કહ્યું હતું કે તે તેમની માતાના વારસાને અનુસરવાનો પ્રયાસ કરશે. 40 વર્ષના બાંસુરી સ્વરાજ સુપ્રીમ કોર્ટના એક પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી છે. ગયા વર્ષે બીજેપીએ તેમને બીજેપી દિલ્હીના લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કર્યા હતા.
યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી અંગ્રેજી સાહિત્યમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે લંડનની પ્રતિષ્ઠિત BPP લો સ્કૂલમાં કાયદાની ડિગ્રી મેળવી હતી. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સેન્ટ કેથરીન્સ કોલેજમાંથી માસ્ટર્સ ઓફ સ્ટડીઝ પૂર્ણ કર્યું હતું.
બાંસુરી સ્વરાજ ગયા વર્ષે હેડલાઇન્સમાં આવ્યા હતા, જ્યારે તેમણે નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ, 2023 પર આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમણે AAP સરકારને ઝઘડાખોર અને નિકમ્મી ગણાવી હતી.