જર્મનીનાં ભૂતપૂર્વે ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમના કાર્યકાળ દરમિયાન શરણાર્થીઓને પોતાના દેશમાં આશ્રય આપતા તેમનું બુધવારે પ્રતિષ્ઠિત યુએન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. મર્કેલે 2015 અને 2016માં જર્મનીમાં શરણાર્થીઓ અને આશ્રય ઇચ્છતા 1.2 મિલિયન લોકોને આવકારતા તેમને આઇવરી કોસ્ટના પાટનગર યામૌસ્સૌક્રોમાં ફેલિક્સ હૌફૌએટ-બોઇગ્ની યુનેસ્કો પીસ પ્રાઇઝથી સન્માન કરવામાં આવ્યા હતા.
યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ઔડ્રી અઝૌલે એ જણાવ્યું હતું કે, “જ્યૂરી એવા હિંમતવાન નિર્ણયને સન્માનિત કરવા ઇચ્છતી હતી, જેમણે 2015માં એક મિલિયન કરતા વધુ શરણાર્થીઓને આવકાર્યા હોય. આ સમયે ઘણા લોકોએ શરણાર્થીઓ માટે યુરોપના દરવાજા બંધ કરવા અનુરોધ કર્યો હતો.
તે વખતે તેમણે રાજકારણમાં હિંમત દેખાડી હતી.” સીરિયામાં યુદ્ધના સંકટ વખતે મર્કેલે શરણાર્થીઓને પોતાના દેશમાં સમાવવાનો નિર્ણય લીધો હતો.
આઇવરી કોસ્ટના પ્રથમ પ્રેસિડેન્ટના નામે શરૂ કરવામાં આવેલ ફેલિક્સ હૌફૌએટ-બોઇગ્ની ફાઉન્ડેશનના સમારંભમાં એન્જેલા મર્કેલે જણાવ્યું હતું કે, “આ ફક્ત એટલા માટે જ શક્ય બન્યું કારણ કે ઘણા લોકોએ જમીન પર તેમના હાથ ફેલાવીને શરણ માગ્યું હતું.”
આ સમારંભમાં અંદાજે બે હજાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ફાઉન્ડેશનની સ્થાપના 1989માં કરવામાં આવી હતી અને અગાઉ નેલ્સન મંડેલા, યાસર અરાફત, યીતઝાક રેબિન અને ફ્રાન્કોઇસ હોલેન્ડને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.