મહેસાણાની કોર્ટે સાગરદાણ કૌભાંડમાં ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગુરુવારે સાત વર્ષની જેલની સજા કરી હતી. યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર મહારાષ્ટ્રને કેડલ ફીડનો સપ્લાય આપીને 2014માં ડેરી સાથે રૂ.22.5 કરોડની છેતરપિંડી કરી હોવાનો તેમના પર આરોપ છે.
વિપુલ ચૌધરી અમૂલ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ છે. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દૂધસાગર ડેરી તરીકે પ્રખ્યાત છે.
મહેસાણાના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય આર અગ્રવાલે ચૌધરી અને અન્ય 14 લોકોને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 420 હેઠળ છેતરપિંડી માટે દોષિત ઠેરવ્યા હતાં અને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. વિપુલ ચૌધરી ગુજરાતના સહકારી ક્ષેત્રનો એક જાણીતો ચહેરો છે. તેઓ 1996માં શંકરસિંહ વાઘેલા સરકારમાં મંત્રી હતા.
સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ થઈ હતી. તેમના પર એ પણ આરોપ હતો કે 17 જેટલી બોગસ કંપનીઓ બનાવીને તેમણે લગભગ રૂપિયા 800 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. આ કેસમાં આરોપી વિપુલ ચૌધરી, પૂર્વ વાઈસ ચેરમેન જલાબેન, પૂર્વ એમડી નિશિથ બક્ષી, પૂર્વ એકાઉન્ટ હેડ રશ્મિકાંત મોદી, પૂર્વ એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પ્રથમેશ પટેલ, ચંદ્રિકાબેન, જોઈતા ચૌધરી, રબારી ઝેબરબેન, કરશન રબારી, જયંતી ગિરધરભાઈ પટેલ, વિરેન્દ્ર સિંહ ઠાકોર, જેઠાજી ઠાકોર, ઈશ્વર પટેલ, ભગવાન ચૌધરી, દિનેશ દલજીભાઈ ચૌધરીને સજા ફટકારવામાં આવી હતી.