મોદી સરકારે 18-22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યાના એક પછી શુક્રવારે વન નેશન, વન ઇલેક્શન અંગે વિચારણા કરવા માટે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રામ નાથ કોવિંદના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી હતી. વન નેશન, વન ઇલેક્શન એટલે લોકસભા અને રાજ્ય વિધાનસભાની એકસાથે ચૂંટણીઓ યોજવી. આવી સિસ્ટમ અંગે ઘણી સમિતિઓમાં વિચારણા થઈ છે અને હવે સરકારે મોટું પગલું ભર્યું છે.
સરકાર સંસદના વિશેષ સત્રમાં આ અંગે બિલ રજૂ કરે તેવી અટકળો છે, જોકે સરકારે તેને સત્તાવાર પુષ્ટી આપી નથી. સત્તાધારી ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દા પર અનેક પ્રસંગો પર તેની તરફેણ કરી છે, અને તે 2014ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોનો પણ એક ભાગ હતો.
ભારતમાં 1967 સુધી એકસાથે ચૂંટણી યોજવી એ સામાન્ય હતું અને આ રીતે ચાર ચૂંટણીઓ યોજાઈ હતી. 1968-69માં અમુક રાજ્યોની વિધાનસભાના અકાળે વિસર્જન થયા પછી આ પ્રથા બંધ થઈ ગઈ હતી. લોકસભા પણ,પ્રથમ વખત 1970માં નિર્ધારિત મુદત કરતાં એક વર્ષ પહેલાં વિસર્જન કરવામાં આવી હતી અને 1971માં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઈ હતી.
2014ના લોકસભા ચૂંટણી ઢંઢેરામાં ભાજપે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટેની પદ્ધતિ વિકસાવવાનું વચન આપ્યું હતું.
ડિસેમ્બર 2015માં કાયદાપંચે વન નેશન-વન ઇલેક્શન પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. કહેવામાં આવ્યું હતું કે જો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય તો કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. આ ઉપરાંત ચૂંટણીની આચારસંહિતાની વારંવાર અમલવારી ન થવાને કારણે વિકાસનાં કામોને પણ અસર નહીં થાય. આ બાબતોને ધ્યાનમાં રાખીને 2015માં દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી હતી.