લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સંબોધન કરતાં આરોગ્ય પ્રધાને શુક્રવારે જણાવ્યું હતું કે ‘એટ રિસ્ક’ દેશોમાંથી 58 ફ્લાઇટમાં આવેલા આશરે 16,000 મુસાફરોનો અત્યાર સુધી આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાંથી 18 લોકો આ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. તેમનું જિનોમ સિકવન્સિંગ થઈ રહ્યું છે, જેથી નક્કી કરી શકાય કે આ વ્યક્તિઓને ઓમિક્રોન વેરિયન્ટનો ચેપ લાગ્યો છે કે નહીં. રાજ્યોમાંથી મેળવા રિપોર્ટને આધારે લાગે છે કે પોઝિટિવ કેસોની સંખ્યા 18 કરતાં થોડી વધુ હોવાની શક્યતા છે.
કોરોના મહામારી અંગેની 11 કલાક લાંબી ચર્ચાનો જવાબ આપતા માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે આવા આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં ઓમિક્રોનનું સંક્રમણ છે કે નહીં તે નક્કી કરવા જિનોમ સિકવન્સિંગ ટેસ્ટ ચાલી રહ્યાં છે. ભારતમાં ગુરુવારે પ્રથમ વખત કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ નોંધાયા હતા. મુંબઈ અને દિલ્હી સહિતના શહેરોમાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના સેમ્પલનું ટેસ્ટિંગ ચાલુ છે.